વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વિરોધ પક્ષો પર સંસદમાં સુરક્ષા ભંગની ઘટનાને પરોક્ષ સમર્થન આપવાનો આક્ષેપ કર્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે 2024ની લોકસભાની ચૂંટણી પછી વિપક્ષની સંખ્યામાં વધુ ઘટાડો થશે અને ભાજપની સંખ્યાબળમાં વધારો થશે.
આ વર્ષે ભાજપ સંસદીય દળની છેલ્લી બેઠકમાં મોદીએ 2024ની લોકસભા ચૂંટણી માટે શાસક ગઠબંધનના ચૂંટણીપ્રચાર માટેની થીમ નક્કી કરી દીધી હતી. સંસદની કાર્યવાહી ખોરવી નાંખવા બદલ વિપક્ષની નિંદા કરતા મોદીએ કહ્યું હતુ કે તેઓ તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં થયેલા પરાજયથી હતાશ છે અને તેથી આ ઘટનાને રાજકીય રંગ આપી રહ્યા છે. વિપક્ષનો ઇરાદો તેમની સરકારને દૂર કરવાનો છે, પરંતુ સરકારનું લક્ષ્ય ભારત માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરવાનું છે.
સંસદની સુરક્ષાભંગની ઘટનાનો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે લોકશાહીમાં વિશ્વાસ રાખનાર કોઈપણ વ્યક્તિ આવા કૃત્યને સ્વીકારશે નહીં. આ કૃત્યની નિંદા તમામે સાથે મળીને ટીકા કરવી જોઇએ. દુર્ભાગ્યવશ, વિપક્ષો ચૂંટણીમાં હારવાની તેમની હતાશાને બહાર કાઢી રહ્યા છે અને સમગ્ર ઘટનાને રાજકીય વળાંક આપી રહ્યા છે. વિપક્ષ આ ઘટનાને મૌન અને પરોક્ષ સમર્થન પણ આપી રહ્યા છે, જે ચિંતાજનક છે અને નિંદનીય છે.
સંસદમાં વિપક્ષના હોબાળાને મુદ્દે મોદીએ જણાવ્યું હતું કે આ પક્ષોનું વર્તન સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓએ વિપક્ષમાં રહેવાનું મન બનાવી લીધું છે અને તેના માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.રાષ્ટ્રએ પણ તેમને ત્યાં રાખવા અને તેમના સંખ્યાબંધમાં વધુ ઘટાડવાનું મન બનાવી લીધું છે.