અમેરિકા સ્થિત ઓરો હોટેલ્સના સહયોગમાં રામા પરિવારની માલિકીની ગુજરાત JHM હોટેલ્સે તાજેતરમાં ગુજરાતના સુરતમાં JW મેરિયોટ સુરત રિસોર્ટ એન્ડ સ્પા વિકસાવવા માટે ગુજરાત સરકાર સાથે સમજૂતીપત્ર પર હસ્તાક્ષર કર્યા હતા. તે મેરિયોટ હોટેલ અને કોર્ટયાર્ડ બાય મેરિયોટ સુરત પછીની ડાયમંડ સિટીમાં GJHMની ત્રીજી મેરિયોટ હોટેલ છે.
GJHM અને ઓરો હોટેલ્સના સંયુક્ત નિવેદનમાં જણાવાયું હતું કે આગામી પ્રોપર્ટીમાં 300થી વધુ ગેસ્ટરૂમ્સ અને વિલા હશે.

જીજેએચએમના ડાયરેક્ટર તથા ઓરો હોટેલ્સના પ્રેસિડન્ટ અને સીઈઓ ડી જે રામાએ જણાવ્યું હતું કે “આશરે 120 મિલિયન ડોલર (રૂ.1,000 કરોડ)ના રોકાણ સાથેના આ પરિવર્તનશીલ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 800 વ્યક્તિઓ માટે નોકરીઓનું સર્જન કરવાનો છે, શહેરના વિકાસ માટે નિર્ણાયક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાન કરવાનો છે અને સુરતને ગુજરાતની વ્યાપારી રાજધાની તરીકે સ્થાપિત કરવાનો છે. સ્માર્ટ સિટી બનવાની મહત્વાકાંક્ષા ધરાવતા શહેરમાં આ વ્યૂહાત્મક રોકાણ ગુજરાત JHMની સર્વસમાવેશક વિકાસને પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે. સુરત શહેરી વિકાસ, ફાઇનાન્શિયલ મજબૂતાઈ અને ટેકનોલોજી ઇનોવેશનમાં દીવાદાંડી તરીકે ઉભરી આવવા માટે તૈયાર છે.”

અર્બન રિસોર્ટના વિઝન સાથે JW મેરિયોટ સુરતમાં શહેરનું પ્રથમ 9-હોલ એક્ઝિક્યુટિવ ગોલ્ફ કોર્સ હશે. હોટેલની સાથે GJHM મોટા પાયે નેશનલ કોન્ફરન્સ અને કાર્યક્રમોને આકર્ષવાના લક્ષ્ય સાથે એક કન્વેન્શન એન્ડ ઇવેન્ટ સેન્ટર બનાવવાની યોજના ધરાવે છે.

જીજેએચએમ અને ઓરો હોટેલ્સના ચેરમેન એચ.પી. રામાએ જણાવ્યું હતું કે “અમે સુરતમાં ગુજરાત સરકાર સાથે આ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યા છીએ ત્યારે તે માત્ર એક કરાર જ નહીં, પરંતુ સર્વગ્રાહી પ્રગતિ માટેનું એક સહિયારી વિઝન અપનાવીએ છીએ.”

સુરતની પ્રથમ ફાઇવ-સ્ટાર હોટેલ અને ઓરો યુનિવર્સિટી સહિતના ટ્રેક રેકોર્ડને આધારે જીજેએચએમનો હેતુ શહેરના વિકાસમાં યોગદાન આપવાનો છે.

સુરત મેરિયોટ હોટેલ, 2019માં ખોલવામાં આવી હતી, જે કોર્ટયાર્ડ બાય મેરિયોટ સુરત પછીની ઓરોની બીજી હોટેલ હતી. 2021માં, સુરતની ઓરો યુનિવર્સિટીએ તાલીમ, ઇન્ટર્નશિપ અને રોજગારની તકો આપવા માટે મેરિયોટ ઇન્ટરનેશનલ સાથે ભાગીદારી કરી હતી.

LEAVE A REPLY

2 + 18 =