ઇન્ડિયન અમેરિકનોએ ભારતીય પોશાકમાં સજ્જ થઈને દેશભક્તિના જોશ અને ઉત્સાહ સાથે વિવિધ કાર્યક્રમોમાં ભારતના 75માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી હતી. ભારે વરસાદ હોવા છતાં ભારતીય સમુદાયે ઉત્સાહ અને પોતાના વારસાના ગૌરવ સાથે એક મજબૂત અને વધુ સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ભારતના કોન્સલ જનરલ ડીસી મંજુનાથ શુક્રવારે સવારે ફેસબુક લાઇવ ઇવેન્ટમાં રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો અને ભારતીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના રાષ્ટ્રજોગ સંબોધનનો સંદેશો પ્રસારિત કર્યો હતો.
ઈન્ડિયા હાઉસ ખાતે બપોરના સમયે અન્ય એક કાર્યક્રમમાં તેમણે તિરંગો ફરકાવ્યો હતો અને ઇન્ડિયન કમ્યુનિટી સાથે વાર્તાલાપ કર્યો હતો. આ કાર્યક્રમમા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
સાંજે તેમણે પ્રજાસત્તાક દિવસની ઉજવણી માટે એક સત્કાર સમારંભનું આયોજન કર્યું હતું, જેમાં ટેક્સાસ અને આસપાસના રાજ્યોના ચૂંટાયેલા અધિકારીઓ, બિઝનેસ લીડર્સ અને વિવિધ ક્ષેત્રોના વ્યાવસાયિકો તથા ભારતીય સમુદાયના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
મંજુનાથે જણાવ્યું હતું કે “લોકશાહીના સહિયારા મૂલ્ય તરીકે ભારત અને અમેરિકા બંને સહજ ભાગીદારો છે. પરસ્પર લાભ અને માનવતાના લાભ માટે વ્યૂહાત્મક ભાગીદારી આગળ વધારવાની અપાર સંભાવનાઓ છે.” દ્વિપક્ષી સંબંધોમાં ભારતીય અમેરિકનોના યોગદાન અને ભૂમિકાની પ્રશંસા કરતાં મંજુનાથે જણાવ્યું હતું કે ટેક્સાસમાં બીજા નંબરનો સૌથી મોટો તથા વિકસતો અને ગતિશીલ ઇન્ડિયન ડાયસ્પોરા છે, જે ભારત-અમેરિકા સંબંધો મજબૂત બનાવવામાં મજબૂત આધારસ્તંભ છે. તાજેતરના CII રીપોર્ટ મુજબ ટેક્સાસ અમેરિકાનું એક એવું રાજ્ય છે કે જેમાં ભારતની કંપનીઓએ સૌથી વધુ 9.5 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.
આ કાર્યક્રમમાં હાજર ચૂંટાયેલા અધિકારીઓમાં ફોર્ટ બેન્ડ કાઉન્ટીના જજ કે.પી. જ્યોર્જ, હેરિસ કાઉન્ટી કમિશનર પ્રિસિંક્ટ 2 એડ્રિયન ગાર્સિયા, ફોર્ટ બેન્ડ કાઉન્ટી કમિશનર એન્ડી મેયર્સ, સુગરલેન્ડના મેયર જો આર. ઝિમરમેન, મસુરી સિટીના મેયર રોબિન જે. ઈલાકાટ્ટ, સ્ટેફોર્ડ મેયર કેન મેથ્યુઝ, રીજનલ ડાયરેક્ટર સ્ટેટ ડીપાર્ટમેન્ટ કેથરીન હો, હ્યુસ્ટન યુનિવર્સિટીના ચાન્સેલર અને પ્રેસિડેન્ટ રેણુ ખટોર તથા નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સનો સમાવેશ થાય છે.