‘’ભારતે માત્ર કોમનવેલ્થના જન્મને જ આકાર આપ્યો નથી પરંતુ તેના કાર્યને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું ચાલુ રાખશે’’ એમ કોમનવેલ્થ સેક્રેટરી જનરલ બેરોનેસ પેટ્રિશિયા સ્કોટલેન્ડે સોમવારે કોમનવેલ્થ ડે અવસર પર જણાવ્યું હતું. તેઓ આ સપ્તાહના અંતમાં ભારતના પ્રવાસ માટે નીકળનાર છે.
લંડનમાં કોન્સ્ટિટ્યુશન હિલ પરના મેમોરિયલ ગેટ્સ ખાતે બે વિશ્વયુદ્ધોમાં બલિદાન આપનારા ભારતીય ઉપખંડના સૈનિકોના યોગદાનની સ્મૃતિમાં વાર્ષિક સમારોહમાં ભાગ લેતા તેમણે જણાવ્યું હતું કે “ભારતે 75 વર્ષ પહેલાં એપ્રિલ 1949માં આધુનિક કોમનવેલ્થના જન્મને આકાર આપ્યો હતો અને હું ધારું છું કે દેશ આગામી દાયકાઓ સુધી કોમનવેલ્થના કાર્ય અને દિશાને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતો રહેશે. સૌ કોમનવેલ્થ રાજ્યોમાં ટેક્નોલોજીના ઉપયોગને વેગ આપવા પર અમારું ઘણું ધ્યાન કેન્દ્રિત છે અને આર્ટીફીશીયલ ઇન્ટેલીજન્સે ભારતના અર્થતંત્રમાં પરિવર્તન કર્યું છે અને તેના નાગરિકોની સમૃદ્ધિ માટે એક પ્લેટફોર્મ સેટ કર્યું છે.”
કોમનવેલ્થ ડે 1977થી દર વર્ષે માર્ચના બીજા સોમવારે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે સ્મારક સેવા સહિત 56 સભ્યોની સંસ્થાની ઉજવણી તરીકે યોજવામાં આવે છે.
કેન્સરની સારવાર કરાવતા કિંગ ચાર્લ્સે એક વિડિયો સંદેશમાં કહ્યું હતું કે “તાજેતરના અઠવાડિયામાં, મારા સ્વાસ્થ્ય માટે તમારી અદ્ભુત દયાળુ અને વિચારશીલ શુભેચ્છાઓથી મને ખૂબ જ ઊંડો સ્પર્શ થયો છે અને બદલામાં, સમગ્ર કોમનવેલ્થમાં, મારી શ્રેષ્ઠ ક્ષમતા મુજબ હું તમારી સેવા કરવાનું ચાલુ રાખી શકીશ. આપણા સહિયારા પ્રયાસો અને આપણા લોકોની સંભવિતતામાં મારો વિશ્વાસ એટલો જ નિશ્ચિત અને મજબૂત છે. આપણે સમગ્ર કોમનવેલ્થમાં એકબીજાને ટેકો આપવાનું ચાલુ રાખીશું અને આ મહત્વપૂર્ણ સફર ચાલુ રાખીશું.”
આ વર્ષની રંગબેરંગી યુનિફોર્મવાળી ચેરિટી વોક શુક્રવારે બ્રાઇટનની બહારના છત્રી મેમોરિયલથી શરૂ થઈ હતી અને લંડનમાં કોમનવેલ્થ મેમોરિયલ ગેટ્સ પર સમાપ્ત થઈ હતી.
મેમોરિયલ ગેટ્સ કાઉન્સિલના અધ્યક્ષ લોર્ડ કરણ બિલિમોરિયાએ જણાવ્યું હતું કે “કોમનવેલ્થ ડે પર મેમોરિયલ ગેટ્સ સમારોહ પ્રથમ અને બીજા વિશ્વ યુદ્ધમાં સાઉથ એશિયા, આફ્રિકા અને કેરેબિયનના 5 મિલિયન સ્વયંસેવકોની સેવા અને બલિદાનને યાદ કરાવે છે.”
આ સમારોહમાં બીજા વિશ્વયુદ્ધમાં ઇમ્ફાલ અને કોહિમાની લડાઇની 80મી વર્ષગાંઠને પણ યાદ કરવામાં આવી હતી. આ વર્ષના સમારોહમાં મેમોરિયલ ગેટ્સ કાઉન્સિલના આજીવન પ્રમુખ સ્વર્ગસ્થ બેરોનેસ શ્રીલા ફ્લેધરને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી, જેઓ ગયા મહિને 89 વર્ષની વયે અવસાન પામ્યા હતા.