પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે લોકસભાની ચૂંટણી યોજાવાની તેવી 102 લોકસભા બેઠકો માટે ઉમેદવારીપત્ર ભરવાની પ્રક્રિયા બુધવારે ચાલુ થઈ હતી. ચૂંટણીપંચે 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવેલી આ બેઠકો માટે નોટિફિકેશન જારી કર્યું હતું.
પ્રથમ તબક્કામાં અરુણાચલપ્રદેશની 2, આસામની 5, બિહારની 4, છત્તીસગઢની 1, મધ્યપ્રદેશની 6, મહારાષ્ટ્રની 5, મણિપુરની 2, મેઘાલયની 2, મિઝોરમની 1, નાગાલેન્ડની 1, રાજસ્થાનની 12, સિક્કિમની 1, તમિલનાડુની 39, ત્રિપુરાની 1, ઉત્તરપ્રદેશની 8, ઉત્તરાખંડની 5, પશ્ચિમ બંગાળની 3, આંદામાન અને નિકોબારની 1, જમ્મુ અને કાશ્મીરની 1, લક્ષદ્વીપની 1 અને પુડુચેરીની 1 બેઠક પર મતદાન થશે.
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 27 માર્ચ છે. જોકે તહેવારને કારણે બિહારમાં લોકસભાની બેઠકો માટે પ્રથમ તબક્કામાં ચૂંટણી થવા જઈ રહી છે તે માટે ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ 28 માર્ચ છે. બિહારની 40માંથી ચાર સીટો પર પહેલા તબક્કામાં મતદાન થશે.
ઉમેદવારી પત્રોની ચકાસણી 28 માર્ચે થશે. બિહાર માટે તે 30 માર્ચે થશે. ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ 20 માર્ચ છે, જ્યારે બિહાર માટે તે 2 એપ્રિલ છે.
18મી લોકસભાની ચૂંટણી 19 એપ્રિલના રોજ શરૂ થશે અને ત્યારબાદના તબક્કાવાર ધોરણે 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને પહેલી જૂને મતદાન થશે. ચૂંટણીનું રિઝલ્ટ ચાર જૂને જાહેર થશે.
અરુણાચલપ્રદેશમાં 60 વિધાનસભા મતવિસ્તારો અને બે લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજવા ઇટાનગરમાં રાજ્ય ચૂંટણી કાર્યાલયે બે અલગ ગેઝેટ નોટિફિકેશન જારી કર્યાં હતા. 2019ની ચૂંટણીમાં સત્તાધારી ભાજપે લોકસભાની બંને બેઠકો જીતી હતી. વિધાનસભામાં ભાજપને 41 બેઠકો, જેડી(યુ)એ સાત, એનપીપીને પાંચ બેઠકો અને કોંગ્રેસને ચાર બેઠકો મળી હતી. આ ઉપરાંત પીપીએએ એક બેઠક જીતી હતી અને બે અપક્ષ ઉમેદવારો વિજયી બન્યાં હતા.
ભાજપે તમામ વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે અને અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠક માટે કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ અને અરુણાચલ પૂર્વ બેઠક માટે તેના ઉમેદવાર તરીકે તાપીર ગાઓને નામ જાહેર કર્યું છે.