અરબી સમુદ્રમાં ચાંચિયાઓના હુમલાઓ સામેની વધુ કાર્યવાહીમાં ભારતીય નૌકાદળે શુક્રવારે હાઇજેક કરાયેલા ઈરાની માછીમારી જહાજ અલ-કંબર 786 અને તેના 23 પાકિસ્તાની ક્રૂ સભ્યોને ચાંચિયાના ચુંગાલમાંથી બચાવ્યા હતા. અરબી સમુદ્રમાં સાહસિક ઓપરેશન બાદ ભારતીય નૌકાદળ દ્વારા સોમાલી ચાંચિયાઓથી બચાવાયેલા 23 જેટલા પાકિસ્તાની નાગરિકોએ ભારતનો આભાર માન્યો હતો અને ‘ભારત ઝિંદાબાદ’ના નારા લગાવ્યા હતા.
અધિકારીએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળે શુક્રવારે 12 કલાક સુધી ઓપરેશન હાથ ધરીને સોમાલિયાના ચાંચિયાઓથી ઇરાની જહાજ અને 23 પાકિસ્તાનીઓને બચાવ્યા હતા. અરબી સમુદ્રમાં એડનની ખાડી પાસે ઈરાની જહાજ ‘અલ-કંબર’ને હાઇજેક કરાયું હોવાની માહિતીને આધારે નૌકાદળે આ સફળ ઓપરેશન હાથ ધર્યું હતું.
ઇરાની જહાજ પર સોમાલિયાના નવ ચાંચિયા કબજો જમાવ્યો હતો. તે સમયે આ જહાજ યમનના સોકોત્રા દ્વીપથી લગભગ 166 કિમી દક્ષિણ-પશ્ચિમમાં હતું. હાઈજેકની ચેતવણી મળતા જ ભારતીય નૌકાદળે ઈરાની જહાજને રોકવા માટે તેના યુદ્ધજહાજ આઈએનએસ સુમેધાને રવાના કર્યું હતું. આ પછી અન્ય યુદ્ધ જહાજ INS ત્રિશુલની મદદથી નેવીએ જહાજને ચાંચિયાથી બચાવી લીધું હતું. નૌકાદળની ટીમે 12 કલાક સુધી ઓપરેશન ચલાવીને ચાંચિયાઓને આત્મસમર્પણ કરવા મજબૂર કર્યા હતા. નોકાદળની ટીમે જહાજની ચકાસણી કરી હતી અને પછી તેને સુરક્ષિત જગ્યાએ લઈ જવાની તૈયારી ચાલુ કરી હતી.
ગયા વર્ષે ઓક્ટોબરમાં ઇઝરાયેલ-હમાસ યુદ્ધ શરૂ થયું તે પછી અરબી સમુદ્રમાં સોમાલી ચાંચિયાઓ દ્વારા જહાજોના અપહરણના કિસ્સાઓ વધી રહ્યા છે. તેથી જહાજોનું રક્ષણ કરવા માટે ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં યુદ્ધ જહાજોની તૈનાતી વધારી દીધી છે. 15 માર્ચે ભારતીય નૌકાદળે ત્રણ મહિના પહેલા એડનની ખાડીમાં હાઇજેક કરાયેલા જહાજ એમવી રૂએનને પણ બચાવ્યું હતું.