(ANI Photo)

કેરળના વાયનાડમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે આપેલા સોગંદનામા મુજબ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસે ₹20 કરોડની સંપત્તિ છે, પરંતુ તેમની પાસે કોઈ વાહન કે રહેણાંક ફ્લેટ નથી. રાહુલ ગાંધીએ લગભગ ₹9.24 કરોડની જંગમ સંપત્તિ જાહેર કરી છે. જેમાં ₹55,000 રોકડ, ₹26.25 લાખ બેન્ક ડિપોઝિટ, ₹4.33 કરોડ બોન્ડ અને શેર, ₹3.81 કરોડ મ્યુચ્યુઅલ ફંડ, ₹15.21 લાખ ગોલ્ડ બોન્ડ અને ₹4.20 લાખની જ્વેલરીનો સમાવેશ થાય છે.

કોંગ્રેસના નેતા પાસે 11.15 કરોડ રૂપિયાની સ્થાવર સંપત્તિ છે. તેમાં દિલ્હીના મેહરૌલીમાં ખેતીની જમીનનો સમાવેશ થાય છે. આ જમીનમાં તેમની બહેન અને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા  સહ-માલિકી ધરાવે છે. રાહુલ ગાંધી ગુરુગ્રામમાં ઓફિસ સ્પેસની પણ માલિકી ધરાવે છે, જેની કિંમત હાલમાં ₹9 કરોડથી વધુ છે. ખેતીની જમીનનો વારસામાં મળેલી મિલકત તરીકે ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ ઓફિસની જગ્યા નથી.

સોગંદનામામાં તેમણે જે પોલીસ કેસોનો સામનો કરી રહ્યા છે તેની વિગતો પણ આપી છે. આમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ (POCSO) હેઠળના કેસનો સમાવેશ થાય છે, કારણ કે સોશિયલ મીડિયા પોસ્ટમાં બળાત્કાર પીડિતાના પરિવારના સભ્યોની ઓળખ કથિત રીતે જાહેર કરવામાં આવી છે.

રાહુલ ગાંધી સામેના અન્ય કેસોમાં ભાજપના નેતાઓએ દાખલ કરેલી બદનક્ષીની ફરિયાદોનો  સમાવેશ થાય છે. તેમણે પોતાના સોગંદનામામાં એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ સાથે જોડાયેલા ગુનાહિત કાવતરાના કેસનો પણ ઉલ્લેખ કર્યો છે.

રાહુલ ગાંધીએ 2019ની સામાન્ય ચૂંટણીમાં વાયનાડ લોકસભા બેઠક જીતી હતી. આ વખતે તેઓ 26 એપ્રિલના રોજ યોજાનારી હાઇ-પ્રોફાઇલ ચૂંટણીમાં CPI નેતા એની રાજા અને રાજ્ય ભાજપના વડા કે સુરેન્દ્રનનો ત્રિકોણીય મુકાબલો કરશે.

LEAVE A REPLY