અમેરિકામાં ગયા મહિનાથી ગુમ થયેલા 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થીનો ઓહાયોના ક્લીવલેન્ડ શહેરમાં મૃતદેહ મળી આવ્યો હતો. અમેરિકામાં એક સપ્તાહમાં આ બીજા ભારતીય વિદ્યાર્થીનું મોત છે. હૈદરાબાદના નાચારામનો વતની મોહમ્મદ અબ્દુલ અરફાથ ગયા વર્ષે મે મહિનામાં ક્લેવલેન્ડ યુનિવર્સિટીમાંથી આઈટીમાં માસ્ટર્સ કરવા માટે યુએસ આવ્યો હતો.
ન્યૂયોર્કમાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે એ જાણીને દુઃખ થયું કે મોહમ્મદ અબ્દુલ અરફાથ ક્લેવલેન્ડ, ઓહાયોમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. મોહમ્મદ અરફાથના પરિવાર પ્રત્યે અમારી ઊંડી સંવેદના છે. ન્યૂયોર્ક ખાતેનું કોન્સ્યુલેટ મોહમ્મદ અબ્દુલ અરફાથના મૃત્યુની સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં છે. અમે મૃતદેહને ભારતમાં લઈ જવા માટે શોકગ્રસ્ત પરિવારને શક્ય તમામ સહાયતા આપી રહ્યા છીએ.
ગયા મહિને કોન્સ્યુલેટે કહ્યું હતું કે તે અબ્દુલના પરિવારના સંપર્કમાં છે અને તેને શોધવા માટે સ્થાનિક કાયદા અમલીકરણ એજન્સીઓ સાથે કામ કરી રહ્યું છે.
ગયા અઠવાડિયે WKYC 3News માં એક અહેવાલ અનુસાર અરફાથ 5 માર્ચના રોજ રિઝર્વ સ્ક્વેર ખાતેના તેના ઘરેથી નીકળ્યો હતો અને પાછો આવ્યો ન હતો. પોલીસે અરફાથ માટે “ગુમ થયેલ વ્યક્તિ” ચેતવણી પણ જારી કરી હતી, જેમાં તેને 5’8″ ઊંચો, 150 પાઉન્ડ વજન, કાળા વાળ અને ભૂરા આંખો સાથે વર્ણવવામાં આવ્યો હતું. તે છેલ્લે સફેદ ટી-શર્ટ, લાલ જેકેટ અને વાદળી જીન્સ પહેરેલો જોવા મળ્યો હતો.
હૈદરાબાદમાં અરફાથના પિતા મોહમ્મદ સલીમે જણાવ્યું હતું કે તેમણે છેલ્લીવાર 7 માર્ચે વાતચીત કરી હતી અને ત્યારબાદ તેનો સેલફોન બંધ થઈ ગયો હતો. 19 માર્ચે મોહમ્મદ સલીમને એક અજાણી વ્યક્તિનો ફોન આવ્યો અને કહેવામાં આવ્યું હતું કે ડ્રગ્સ વેચતી ગેંગે અરફાથનું અપહરણ કર્યું છે અને $1,200ની ખંડણીની માંગણી કરી છે.
ઉચ્ચ શિક્ષણ મેળવવા ઇચ્છતા ભારતીય વિદ્યાર્થીઓ માટે યુએસ પસંદગીનું સ્થળ છે. યુએસ અનુસાર, 2022-2023 સત્રમાં 2.6 લાખથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ અમેરિકા આવ્યા હતા. આ અગાઉના સત્ર કરતાં 35 ટકાનો ઉછાળો હતો.