લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 બેઠકો પર સોમવાર, 13મેએ સરેરાશ 67 ટકા મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળમાં ફરીથી સૌથી વધુ 75.94 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે જમ્મુ અને કાશ્મીરની શ્રીનગર બેઠક પર સૌથી ઓછું 36.58 ટકા મતદાન થયું હતું. જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 નાબૂદ કર્યા પછી પ્રથમ મોટી ચૂંટણી યોજી હતી. શ્રીનગર બેઠક પર ઘણા દાયકાઓ પછી આ સોથી ઊચું મતદાન હતું.
અન્ય રાજ્યોમાં આંધ્રપ્રદેશમાં 68.12 ટકા, બિહારમાં 55.90 ટકા, ઝારખંડમાં 63.37 ટકા, મધ્યપ્રદેશમાં 68.63 ટકા, મહારાષ્ટ્રમાં 52.75 ટકા, ઓડિશામાં 63.85 ટકા, તેલંગાણામાં 61.37 ટકા મતદાન નોંધાયું હતું.
લોકસભા ચૂંટણીના પ્રથમ ત્રણ તબક્કામાં અનુક્રમે 66.14 ટકા, 66.71 ટકા અને 65.68 ટકા મતદાન થયું હતું. ચૂંટણીના ચોથા તબક્કા પછી સુધી અત્યાર સુધીમાં કુલ 543માંથી 379 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે.
ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, કેન્દ્રીય પ્રધાનો ગિરિરાજ સિંહ, ટીએમસીના ફાયરબ્રાન્ડ નેતા મોહઆ મોઇત્રા અને AIMIM’ના અસદુદ્દીન ઓવૈસી જેવા દિગ્ગજ ઉમેદવારો સહિત કુલ 1,717 ઉમેદવારો ભાવિ ઇવીએમમાં સીલ થયાં હતાં. મતદાન દરમિયાન પશ્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશમાં કેટલાંક વિસ્તારોમાં હિંસાની ઘટના પણ જોવા મળી હતી.
8.73 મહિલાઓ સહિત 17.70 કરોડથી વધુ મતદારો માટે 1.92 લાખ મતદાન મથકો ઊભા કરાયા હતા. આશરે 19 લાખ ચૂંટણી કર્મચારીઓ તૈનાત કરાયાં હતાં.
સોમવારે તેલંગાણાની 17, આંધ્રપ્રદેશની 25, ઉત્તરપ્રદેશની 13, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્યપ્રદેશની આઠ, મહારાષ્ટ્રની 11, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ તથા જમ્મુ અને કાશ્મીરની એક બેઠક પર મતદાન થયું હતું. ભાજપની આગેવાની હેઠળની એનડીએ પાસે આ 96 બેઠકોમાંથી 40થી વધુ બેઠકો પર હાલમાં સાંસદો છે, તેથી આ ચૂંટણી ભાજપ માટે મહત્ત્વપૂર્ણ છે.
લોકસભાની ચોથા તબક્કાની ચૂંટણીના અંતે ઉત્તરપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ (કનૌજ, યુપી), કેન્દ્રીય પ્રધાનો ગિરિરાજ સિંહ (બેગુસરાય, બિહાર), નિત્યાનંદ રાય (ઉજિયારપુર, બિહાર), કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરી અને ટીએમસીના ઉમેદવાર તથા ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ (બંને બહેરામપુર, બંગાળ), ભાજપના પંકજા મુંડે (બીડ, મહારાષ્ટ્ર), AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (હૈદરાબાદ, તેલંગાણા) અને આંધ્રપ્રદેશ કોંગ્રેસના પ્રમુખ વાયએસ શર્મિલા (કડપા), ટીએમસીના ફાયરબ્રાન્ડ નેતા મહુઆ મોઇત્રા, ફિલ્મ સ્ટારમાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિન્હા, ભાજપના પશ્ચિમ બંગાળ પૂર્વ અધ્યક્ષ દિલીપ ઘોષ અને તૃણમૂલ કોંગ્રેસના કીર્તિ આઝાદ સહિતના ઉમેદવારોના ભાવિ મતદાતા નિર્ધારિત કરી દીધા હતાં.
ચોથા રાઉન્ડના ચૂંટણી પ્રચારમાં અનામત, તુષ્ટિકરણની રાજનીતિ, ભ્રષ્ટાચાર અને રોજગારી જેવા મુદ્દા ઉપરાંત અદાણી-અંબાણી, સામ પિત્રોડાના વિવાદાસ્પદ નિવેદનો જેવા મુદ્દા છવાયેલા રહ્યાં હતાં.
ઉત્તરપ્રદેશની 13 લોકસભા બેઠકોમાં કન્નૌજમાં સપાના વડા અખિલેશ યાદવ અને ભાજપના વર્તમાન સાંસદ સુબ્રત પાઠક વચ્ચે સૌથી રસપ્રદ મુકાબલો હતો. ઉન્નાવમાં ભાજપના સાંસદ સાક્ષી મહારાજ સપાના અન્નુ ટંડન સામે હાઇ વોલ્ટેજ મુકાબલો હતો.
બિહારમાં મતદાન થયું હતું તેવી પાંચમાંથી ત્રણ બેઠકો ભાજપ પાસે છે અને વડાપ્રધાન મોદીની ચૂંટણી સભાઓને કારણે પાર્ટીને દરભંગા અને મુંગેરમાં પણ વિજયની આશા છે. મધ્યપ્રદેશની 29 બેઠકોમાંથી પ્રથમ ત્રણ તબક્કામાં 21 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે. બાકીની 8 બેઠકો પર મતદાન થયું હતું. રાજ્યના માલવા-નિમાર ક્ષેત્રના 15 જિલ્લાઓમાં આવેલી આ બેઠકોને ભાજપનો ગઢ માનવામાં આવે છે. ઈન્દોરમાં કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામે છેલ્લી ઘડીએ પોતાનું ઉમેદવારીપત્ર પાછું ખેંચી લીધા પછી અને ભાજપના શંકર લાલવાણી માટે એકતરફી ચૂંટણી બની ગઈ હતી. કોંગ્રેસે આ બેઠક પર લોકોને નોટાને મત આપવાનો અનુરોધ કર્યો હતો.
આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં 68 ટકા મતદાન
આંધ્ર પ્રદેશમાં 25 લોકસભા અને 175 વિધાનસભા મતવિસ્તારોમાં આશરે 68 ટકા મતદાન નોંધાયું હતું.
આંધ્રપ્રદેશમાં મુખ્યપ્રધાન જગન મોહન રેડ્ડીની YSRCP, ઇન્ડિયા ગઠબંધન અને એનડીએ વચ્ચે ત્રિકોણીય જંગ છે. રાજ્યમાં ભાજપે ચંદ્રાબાબુ નાયડુની આગેવાની હેઠળની ટીડીપી અને પવન કલ્યાણની આગેવાનીવાળી જનસેના પાર્ટી સાથે ગઠબંધન કર્યું છે. સત્તારૂઢ YSRCP રાજ્યની તમામ 175 વિધાનસભા બેઠકો અને 25 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. એનડીએના ભાગીદારો વચ્ચે બેઠક વહેંચણીના સોદાના ભાગરૂપે, ટીડીપીને 144 વિધાનસભા અને 17 લોકસભા બેઠકો ફાળવવામાં આવી હતી, જ્યારે ભાજપ છ લોકસભા અને 10 વિધાનસભા બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યો છે. જનસેના બે લોકસભા અને 21 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. 2019ની લોકસભા ચૂંટણીમાં YSRCPએ 22 લોકસભા બેઠકો જીતી હતી, જ્યારે TDPને માત્ર 3 બેઠકો મળી હતી. વાયએસઆરસીપીના પ્રમુખ અને મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડી, ટીડીપી સુપ્રીમો એન ચંદ્રબાબુ નાયડુ અને જનસેનાના વડા અને અભિનેતા પવન કલ્યાણ વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં છે.














