
રાજકોટની દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક વ્યક્ત કર્યો હતો. મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરી બચાવ અને રાહત પ્રયાસો વિશે જાણકારી મેળવી હતી.
X પરની એક પોસ્ટમાં મુર્મુએ જણાવ્યું હતું કે ગુજરાતના રાજકોટમાં એક ગેમિંગ ઝોનમાં આગની દુર્ઘટનામાં જાનહાનિ વિશે જાણીને હું ખૂબ જ દુઃખી છું. મારું હૃદય એવા પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે કે જેમણે તેમના નજીકના અને પ્રિયજનોને ગુમાવ્યા છે. નાના બાળકો જેઓ બચાવી લેવામાં આવ્યા છે તેઓ ઝડપથી સ્વસ્થ થાય તે માટે હું ઇશ્વરને પ્રાર્થના કરું છું.
આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાજકોટમાં આગની દુર્ઘટનાથી ખૂબ જ દુઃખી છું. મારી સંવેદના પ્રિયજનોને ગુમાવ્યા છે તેવા પરિવારોની સાથે છે. ઘાયલો માટે પ્રાર્થના કરી રહ્યો છે. સ્થાનિક વહીવટીતંત્ર તમામ શક્ય સહાય પૂરી પાડવા માટે કામ કરી રહ્યું છે. થોડા સમય પહેલા મારી ટેલિફોન વાતચીતમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલએ મને અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે માહિતી આપી હતી.
એસઆઇટી તપાસનો આદેશ
ગુજરાત સરકારે રાજકોટ અગ્નિકાંડ તપાસ અધિક પોલીસ મહાનિર્દેશક સુભાષ ત્રિવેદીની આગેવાની હેઠળની પાંચ સભ્યોની વિશેષ તપાસ ટીમ (SIT)ને સોંપી હતી. રાજ્ય સરકારે વિશેષ તપાસ ટીમ (એસઆઇટી) તપાસનો આદેશ આપ્યો હતો. રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં અને સમગ્ર ઘટનાની તપાસ વિશેષ તપાસ ટીમ (SIT)ને સોંપવામાં આવશે. ADGP ત્રિવેદીની આગેવાની હેઠળની SITમાં કમિશનર (ટેકનિકલ એજ્યુકેશન) બીએન પાની, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી, ગાંધીનગરના ડાયરેક્ટર એચપી સંઘવી, ચીફ ફાયર ઓફિસર, અમદાવાદ જે.એન.ખાડિયા અને અધિક્ષક ઈજનેર, માર્ગ અને મકાન વિભાગ એમ બી દેસાઈનો સમાવેશ કરવામાં આવ્યો છે.











