નવી દિલ્હીમાં કૃષિ અર્થશાસ્ત્રીઓની 32મી આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ (ICAE)માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જણાવ્યું હતું કે ભારત અનાજ સરપ્લસ દેશ બન્યો છે તથા વૈશ્વિક ખાદ્ય અને પોષણ સુરક્ષા માટે ઉકેલો ઓફર કરવા માટે પણ કામ કરી રહ્યું છે. ભારતની આર્થિક નીતિઓના કેન્દ્રમાં કૃષિ છે અને 2024-25ના બજેટમાં ટકાઉ અને પર્યાવરણલક્ષી ખેતી પર મોટો ભાર મૂકાયો છે. સરકાર ખેડૂતોને ટેકો આપવા માટે એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ વિકસાવી રહી છે.
કૃષિ અર્થશાસ્ત્રીઓની છેલ્લી આંતરરાષ્ટ્રીય પરિષદને યાદ કરતાં મોદીએ ઉલ્લેખ કર્યો હતો કે તે સમયે ભારત નવી આઝાદી મળી હતી અને તે સમય કૃષિ અને ખાદ્ય સુરક્ષા માટે પડકારજનક હતો. હવે ભારત ફૂડ સરપ્લસ દેશ બન્યો છે. દેશ વિશ્વમાં દૂધ, કઠોળ અને મસાલાના ઉત્પાદનમાં નંબર વન છે. આ ઉપરાંત ભારત અનાજ, ફળો, શાકભાજી, કપાસ, ખાંડ અને ચાનો બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ બન્યો છે.
આશરે 70 દેશોના આશરે 1,000 પ્રતિનિધિઓને સંબોધન કરતાં મોદીએ જણાવ્યું હતું કે એક એવો સમય હતો, જ્યારે વિશ્વ માટે ભારતની ખાદ્ય સુરક્ષા ચિંતાનો વિષય હતો. હવે ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષા અને વૈશ્વિક પોષણ સુરક્ષા માટે ઉકેલો પ્રદાન કરવા માટે કામ કરી રહ્યું છે. તેથી ભારતનો અનુભવ ખાદ્ય પ્રણાલીના પરિવર્તન પર ચર્ચા કરવા માટે મૂલ્યવાન છે અને તેનાથી ગ્લોબલ સાઉથને ફાયદો થશે.













