એક મહત્વપૂર્ણ ચુકાદામાં ઇનકમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT)ની મુંબઈ બેન્ચે જણાવ્યું છે કે બિન-નિવાસી (એનઆરઆઇ) ભાઈ પાસેથી મળેલી રૂ.20 લાખની ભેટ કરપાત્ર નથી. આ ચુકાદા મુજબ આવકવેરા ધારામાં કેટલીક ગિફ્ટો અને ખાસ કરીને ગાઢ સંબંધી પાસેથી મળેલી ગિફ્ટને ટેક્સમાફી મળેલી છે.
આવકવેરા ધારા હેઠળ સામાન્ય રીતે રૂ.50,000થી વધુની ગિફ્ટ પર કરદાતાના સંબંધિત ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગુ પડે છે. જોકે તેમાં કેટલાંક અપવાદો છે. લગ્ન જેવા પ્રસંગો, વસિયતનામુ કે વારસા હેઠળ સંબંધીઓ પાસેથી મળેલી ગિફ્ટ કરપાત્ર નથી. I-T એક્ટની કલમ 56 (2)(x) હેઠળ, ભાઈ તરફથી મળેલી ભેટો કરમુક્તિની કેટેગરી હેઠળ આવે છે.
સલામ નામના એક વ્યક્તિની અરજીનો નિકાલ કરતાં ટ્રિબ્યુનલે આ ચુકાદો આપ્યો હતો અને વિદેશથી મળતી 20 લાખ સુધીની રોકડ ગિફ્ટને ટેક્સ ફ્રી ગણાવી હતી. સલામને દુબઇમાં રહેતા તેના ભાઈ પાસેથી રોકડ ગિફ્ટ મળી હતી, જેના પર ટેક્સ લાદવામાં આવ્યો હતો, જેની સામે ટ્રિબ્યુનલમાં અપીલ કરાઈ હતી. અપીલ દરમિયાન અરજદારે કહ્યું હતું કે,તેના ભાઈએ આ રકમ ત્રણ ચેક મારફત બેન્ક ઓફ બરોડા, આઈસીઆઈસીઆઈ બેન્કમાં ટ્રાન્સફર કર્યા હતાં. જેમાં પોતાના ભાઈના બેન્ક સ્ટેટમેન્ટ, પાસપોર્ટ અને ઈન્વેસ્ટર ક્લાસ વિઝા પણ રજૂ કર્યા હતાં.














