દિલ્હી વિધાનસભાની ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાશે અને તેનું રિઝલ્ટ 8 ફેબ્રુઆરીએ જાહેર થશે, એવી ચૂંટણીપંચે મંગળવારે જાહેરાત કરી હતી. દિલ્હીમાં કુલ 70 વિધાનસભા બેઠકો પર આશરે 1.55 કરોડ મતદાતા મતદાન કરશે.
દિલ્હીની સાતમી વિધાનસભાનો કાર્યકાળ 15 ફેબ્રુઆરીએ પૂરો થાય છે અને આગામી વિધાનસભાના સભ્યો ત્યાં સુધીમાં ચૂંટાયેલા હોવા જોઈએ.
દિલ્હીમાં છેલ્લાં 10 વર્ષથી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP)નું શાસન છે અને તેને ત્રીજી ટર્મ પર ચૂંટણીપ્રચાર ચાલુ કરી દીધો છે. પાર્ટીએ તેના તમામ ઉમેદવારોના નામ પણ જાહેર કરી દીધા છે. આમ આદમી પાર્ટી સામે ભાજપ મુખ્ય હરીફ છે. કોંગ્રેસ પણ આ વખતે મજબૂતાઈ સાથે ચૂંટણી લડી રહી છે.
AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચારના કેસમાં જામીન મળ્યા બાદ મુખ્ય પ્રધાન પદ છોડ્યું હતું, તેઓ પાર્ટીના પ્રચારનું નેતૃત્વ કરી રહ્યા છે.56 વર્ષીય નેતાએ કહ્યું હતું કે તે લોકોની અદાલતના ચુકાદા પછી મુખ્યપ્રધાન તરીકે પરત આવશે. સત્તાધારી AAP મત મેળવવા માટે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પોતાનું કામ બતાવી રહી છે. પાર્ટીએ મહિલાઓને 2,100 રૂપિયાની સહાય અને વૃદ્ધો માટે મફત સારવાર સહિતના અનેક વચનો પણ આપ્યા છે.
બીજી તરફ ભાજપ AAP પર ભ્રષ્ટાચાર અને ગેરવહીવટનો આક્ષેપ કરી રહ્યો છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ AAPને દિલ્હી માટેની એક આપદા ગણાવી હતી. છે.













