(ANI Photo/Sansad TV)

પીઢ અભિનેત્રી અને રાજ્યસભાનાં સભ્ય જયા બચ્ચને સંસદના બજેટસત્રમાં બજેટ પરની ચર્ચા દરમિયાન માગણી કરી હતી કે ‘સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની બે ફિલ્મો ‘શોલે’ અને ‘દીવાર’ની રિલીઝને ૫૦ વર્ષ પૂરાં થઈ રહ્યાં છે એટલે એની યાદમાં ટપાલટિકિટ બહાર પાડવામાં આવે. આ ટપાલટિકિટ ભારતીય સિનેમાની વિરાસતને બચાવવાનું અને આવનારી પેઢીને જોડવાનું કામ કરશે. ફિલ્મોનું આપણા સાંસ્કૃતિક વિકાસમાં મહત્ત્વનું યોગદાન છે.’

‘શોલે’ અને ‘દીવાર’ 1975માં રિલીઝ થઈ હતી. આ બે ફિલ્મોથી અમિતાભ બચ્ચનની ઓળખ એક સશક્ત અભિનેતા તરીકે ઊભી થઇ હતી. ‘શોલે’માં અમિતાભ બચ્ચન અને ધર્મેન્દ્રની જોડીએ ધમાલ મચાવી હતી અને ‘દીવાર’એ અમિતાભ બચ્ચનને એન્ગ્રી યંગ મેન તરીકે ઓળખ આપી હતી. જયા બચ્ચને તેમના ભાષણમાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના વિકાસ માટે બજેટમાં જોગવાઈ કરવાનો નાણા પ્રધાન નિર્મલા સીતારમણને અનુરોધ કર્યો હતો.

તેમણે એ પણ માગણી કરી હતી કે ભારતીય સિનેમાના વારસાનું સંરક્ષણ કરવામાં આવે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સિંગલ સ્ક્રીન થીયેટરો બંધ થઈ રહ્યાં હોવાનો મુદ્દો પણ તેમણે ઉઠાવ્યો હતો. 1971માં ફિલ્મજગત સાથે સંકળાયેલા દાદાસાહેબ ફાળકે પર પ્રથમ ટપાલટિકિટ બહાર પાડવામાં આવી હતી. તેમણે 1913માં ભારતની પ્રથમ ફીચર ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી હતી. ત્યાર બાદ સત્યજિત રે, રાજ કપૂર, મધુ બાલા, નર્ગિસ, બિમલ રોય અને યશ ચોપડા જેવા દિગ્ગજો પર સ્ટેમ્પ બહાર પાડવામાં આવી છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments