(ANI Photo/Shrikant Singh)

દિલ્હી-એનસીઆરમાં શુક્રવારની વહેલી સવારે ધૂળની આંધી સાથે ત્રણ કલાક સુધી ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. ભરઉનાળે આવેલા ભારે વરસાદથી ફ્લાઇટમાં વિલંબ થયો હતો અને ટ્રાફિક ખોરવાયો હતો અને ઉત્તર ભારતમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં સાત લોકોના મોત થયા હતાં. વાવાઝોડા અને ભારે વરસાદને કારણે દિલ્હી એરપોર્ટ પરની અનેક ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ હતી. ત્રણ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાઈ હતી અને અને 200થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી હતી.

દિલ્હી, ગુરુગ્રામ, ફરીદાબાદ અને મથુરામાં વ્યસ્ત રસ્તાઓ પાણીથી ભરાઈ ગયા હતાં અને મુસાફરો ધીમા ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા.દિલ્હીમાં વૃક્ષો પડી ગયા હતાં અને ફરીદાબાદમાં પાણી ભરાયેલા વિસ્તારોમાં ફસાયેલી અડધી ડૂબેલી કારને બહાર કાઢવાનો પ્રયાસ કરતા લોકોજોવા મળ્યો હતો. ગાઝિયાબાદમાં ટ્રાફિક જામને કારણે વાહનોની લાંબી કતારો ઊભી થઈ હતી.

દિલ્હીના નજફગઢમાં ભારે પવન સાથે આવેલા વરસાદને કારણે એક વૃક્ષ તેમના ઘર પર પડતાં ત્રણ બાળકો અને એક મહિલાના મોત થયા હતાં. સવારે 5 વાગ્યાની આસપાસ શરૂ થયેલા ધોધમાર વરસાદ દરમિયાન શહેરમાં માત્ર ત્રણ કલાકમાં 77 મીમી વરસાદ પડ્યો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD)એ શહેર માટે રેડ એલર્ટ જારી કર્યું છે, જેમાં લોકોને અત્યંત સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરાઈ હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી એરપોર્ટ પર ઉતરાણ કરનારી બે ફ્લાઇટને જયપુર અને એકને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.

LEAVE A REPLY