જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં 22 એપ્રિલે ત્રાસવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઊભી થઈ છે ત્યારે ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે રવિવારે સંકેત આપ્યો હતો કે સંરક્ષણ પ્રધાન તરીકે તેમની જવાબદારી ભારત પર હુમલો કરવાની હિંમત કરનારાઓને જડબાતોડ જવાબ આપવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જનતા જે ઈચ્છે છે તે ચોક્કસપણે થશે. પહેલગામ આતંકવાદી હુમલામાં પાકિસ્તાની કનેક્શનને ધ્યાનમાં રાખીને ભારત વળતાં પગલાં લેવાની વિચારણા કરી રહ્યું છે ત્યારે રાજનાથે આ મોટો સંકેત આપ્યો હતો.
દિલ્હીમાં સંસ્કૃતિ જાગરણ મહોત્સવને સંબોધતા પ્રધાન રાજનાથ સિંહે જણાવ્યું હતું કે હું તમને ખાતરી આપવા માંગુ છું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં તમે જે ઈચ્છો છો તે ચોક્કસપણે થશે. લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખૂબ સારી રીતે જાણે છે તથા તેમની કાર્યશૈલી, તેમના દૃઢનિશ્ચય અને તેમના જીવનમાં “જોખમ લેવા” જે રીતે શીખ્યા છે તેનાથી ખૂબ પરિચિત છે.
તેમણે જણાવ્યું હતું કે સંરક્ષણ પ્રધાન તરીકે મારી જવાબદારી છે કે હું મારા સૈનિકો સાથે કામ કરું અને દેશની સરહદોનું રક્ષણ સુનિશ્ચિત કરું. મારી જવાબદારી છે કે હું સશસ્ત્ર દળો સાથે કામ કરીને આપણા દેશ પર દુષ્ટ નજર નાંખવાનારાને યોગ્ય જવાબ આપું.
મંગળવારે આર્મીના ટોચના કમાન્ડરો સાથેની ઉચ્ચસ્તરીય બેઠકમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સશસ્ત્ર દળોને પદ્ધતિ, ટાર્ગેટ અને સમય નક્કી કરવાની સંપૂર્ણ ઓપરેશનલ સ્વતંત્રતા છે. દરમિયાન ભારતના વિવિધ નેતાઓની સતત વોર્નિંગ વચ્ચે પાકિસ્તાને નજીકના ભવિષ્યમાં ભારત તરફથી લશ્કરી બદલો લેવાની આશંકા સાથે તેના સુરક્ષા દળોને હાઇ એલર્ટ રાખ્યાં છે.
