(ANI Photo)

હૈદરાબાદમાં રવિવાર, 18 મેની વહેલી સવારે ઐતિહાસિક ચારમિનાર નજીક ગુલઝાર હાઉસ નામની ઇમારતમાં શંકાસ્પદ શોર્ટ સર્કિટને કારણે લાગેલી ભીષણ આગથી ઓછામાં ઓછા 17 લોકોના મોત થયાં હતાં, જેમાં મોટાભાગના બાળકો હતાં.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા તમામ 17 લોકોને મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા. બિલ્ડિંગમાં રહેલા લોકો માટે એક સાંકડી સીડી જ બચવાનો એકમાત્ર રસ્તો હતો, પરંતુ તેઓ ઉતાવળમાં બહાર નીકળી શક્યા ન હતાં. આ ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ્વેલરીની દુકાનો હતી અને લોકો ઉપરના ફ્લેટમાં રહેતા હતાં, ધુમાડો ફેલાતો લોકોના ગૂંગળામણથી મોત થયા હતાં.

રેસિડેન્શિયલ અને કોમર્શિયલ ઉપયોગ ધરાવતી એક ઇમારતમાં આગ લાગવાની ઘટના રવિવારે સવારે 5.30 વાગ્યે બની હતી. જેમાં મોટાભાગના રહેવાસીઓ ગાઢ નિંદ્રામાં હતાં. આગ ત્રણ માળની બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરના કોમર્શિયલ ભાગમાં આવેલા જ્વેલરી સ્ટોરમાંથી શરૂ થઈ હતી, બાદમાં આખી ઈમારતમાં આગ ફેલાઈ હતી. ધુમાડાના કારણે શ્વાસ રૂંધાવાથી ઘણા લોકોના મોત નીપજ્યા હતાં.

X પરની એક પોસ્ટમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યપ્રધાન એ રેવંત રેડ્ડીએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો અને વરિષ્ઠ અધિકારીઓને ઇમારતમાં ફસાયેલા લોકોને બચાવવા માટે તમામ જરૂરી પગલાં લેવા નિર્દેશ આપ્યો હતો.

LEAVE A REPLY