કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સમાં શનિવારે એક ફર્ટિલિટી ક્લિનિકની નજીક થયેલા પ્રચંડ બોંબ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ઓછામાં ઓછા ચાર ઘાયલ થયા હતાં. આ ઘટનાને FBIએ ઇરાદાપૂર્વકનું આતંકવાદી કૃત્ય ગણાવ્યું હતું. ક્લિનિક ઉપરાંત તેની આસપાસ આવેલી લિકર સ્ટોર અને હોસ્પિટલની ઈમારતને પણ નુકસાન થયુ હતું.
અમેરિકન રિપ્રોડક્ટિવ સેન્ટર્સ દ્વારા સંચાલિત ક્લિનિકની બહાર પાર્ક કરાયેલી એક કારમાં બોંબ વિસ્ફોટ થયો હતો અને તેનાથી નજીક ઊભેલા એક વ્યક્તિનું મોત થયું હતું. બોંબ વિસ્ફોટથી વાહનના કુરચે કુરચા ઉડી ગયાં હતાં.
આ બોમ્બ બ્લાસ્ટ માટે જવાબદાર શંકમદ વ્યક્તિએ હુમલો કરતાં પહેલાં ઓનલાઈન ઉશ્કેરણીજનક પોસ્ટ લખી હતી. જેના હુમલાખોરે વિસ્ફોટનો વીડિયો સોશિયલ મીડિયા પર લાઈવ કરવાનો પ્રયાસ પણ કર્યો હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. એફબીઆઈએ આ મામલે તપાસ હાથ ધરી જણાવ્યું હતું કે સદનસીબે ક્લિનિક બંધ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી. એફબીઆઈના હેડ અકીલ ડેવિસે આ હુમલાને આતંકવાદનું ઈરાદાપૂર્વક કૃત્ય ગણાવ્યું હતું.
FBIને ઘટના સ્થળેથી AK-47 રાઈફલ પણ મળી આવી હતી. બોમ્બ બ્લાસ્ટ પાછળનો ઉદ્દેશ હજી સુધી જાણી શકાયો નથી. ક્લિનિકે જણાવ્યું હતું કે, તમામ સ્ટાફ અને લેબોરેટરી સુરક્ષિત છે. જે દિવસે આ ઘટના બની તે દિવસે ક્લિનિકમાં કોઈ દર્દી ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.
