• મહેશ લિલોરિયા દ્વારા

યુકેમાં યુગાન્ડાના હાઈ કમિશને યુગાન્ડા એરલાઈન્સના સહયોગથી, એન્ટેબે અને લંડન ગેટવિક એરપોર્ટ વચ્ચે યુગાન્ડા એરલાઈન્સની નવી ડાયરેક્ટ ફ્લાઇટના લોન્ચની ઉજવણી માટે 19 મે 2025ના રોજ લંડનમાં એક હાઇ-પ્રોફાઇલ યુકે-યુગાન્ડા ટ્રેડ એન્ડ બિઝનેસ ફોરમ અને ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સરકારી અધિકારીઓ, ઉડ્ડયન સત્તાવાળાઓ, બિઝનેસ લીડર્સ, ડાયસ્પોરા પ્રતિનિધિઓ અને બંને દેશોના રાજદ્વારી મહાનુભાવોએ હાજરી આપી હતી.

યુગાન્ડા એરલાઈન્સના યુરોપના પ્રવેશના પ્રતીક સમાન આ નવો રૂટ યુકે અને યુગાન્ડા વચ્ચે એકમાત્ર નોનસ્ટોપ હવાઈ સેવાનું પ્રતિનિધિત્વ કરશે જે વેપાર, પર્યટન અને સાંસ્કૃતિક વિનિમય માટે નવા માર્ગો ખોલશે. આ ફ્લેગશિપ સેવા રવિવાર, મંગળવાર, બુધવાર અને શુક્રવારે અઠવાડિયામાં ચાર વખત ઉપડશે અને તે જ દિવસે પરત થશે.

આ કાર્યક્રમમાં “યુકે અને યુગાન્ડા વચ્ચે વધતી જતી દ્વિપક્ષીય ભાગીદારી” થીમ પર કેન્દ્રિત પેનલ ચર્ચાઓ અને મુખ્ય ભાષણો કરાયા હતા.

યુગાન્ડાના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર જનરલ એડવર્ડ કાટુમ્બા વામાલાએ કહ્યું હતું કે “આ ફક્ત એક ઉડાન જ નથી; તે બિઝનેસીસ, રોકાણ અને માનવ જોડાણ માટેનો પુલ છે. રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીએ 2015માં યુગાન્ડા એરલાઇન્સને પુનર્જીવિત કરી, ત્યારે તેમણે એક ભવિષ્યની કલ્પના કરી હતી કે સીધી હવાઈ સેવા દેશના આર્થિક વિકાસને આગળ ધપાવશે.”

યુગાન્ડામાં બ્રિટિશ હાઈ કમિશનર લિસા ચેસ્ની, MBEએ વેપાર સંબંધોની મજબૂતાઈ પર પ્રકાશ પાડી કહ્યું હતું કે આ નવી હવાઈ લિંક આપણા આર્થિક અને લોકો-થી-લોકોના સંબંધોને વધુ ગાઢ બનાવવાનું વચન આપે છે.”

યુકેમાં યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાણીએ કહ્યું હતું કે “રાષ્ટ્રપતિ મુસેવેનીનો તેમના વિઝન માટે હૃદયપૂર્વક આભાર. મને ગર્વ છે કે આજે રાત્રે પરત ફરતી ફ્લાઇટમાં, ઇદી અમીન દ્વારા હાંકી કાઢવામાં આવેલા બ્રિટિશ મિત્રો યુગાન્ડા પાછા ઉડાન ભરી રહ્યા છે. જે યુગાન્ડામાં આત્મવિશ્વાસ, સલામતી અને નવી આશા દર્શાવે છે.”

આ પ્રસંગે યુગાન્ડાના ટ્રેડ મિનિસ્ટર, ફ્રાન્સિસ મ્વેબેસા, નાણા મંત્રાલયના પર્મેનન્ટ સેક્રેટરી રામથન ગગુબી, યુગાન્ડા નાગરિક ઉડ્ડયન સત્તામંડળના ઓલિવ બિરુંગી લુમોનિયા, યુગાન્ડા એરલાઇન્સના બોર્ડના અધ્યક્ષ, પ્રિસિલા સેરુક્કા, યુગાન્ડા એરલાઇન્સના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જેનિફર બામુતુરાકી  અને બાંધકામ મંત્રાલયના પર્મેનન્ટ સેક્રેટરી બાગેયા વૈસ્વાએ પ્રસંગીક પ્રવચન કર્યા હતા.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments