REUTERS/Leah Millis

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ૧૨ દેશોના નાગરિકો પર મુસાફરી પ્રતિબંધ અને સાત અન્ય દેશોના મુસાફરો પર આકરા નિયંત્રણો લાદતા આદેશ પર બુધવારે હસ્તાક્ષર કર્યા હતાં.

વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “આ આદેશ એવા 12 દેશોના નાગરિકોના પ્રવેશને સંપૂર્ણપણે પ્રતિબંધિત અને મર્યાદિત કરે છે જેઓ સ્ક્રીનીંગ અને ચકાસણીના સંદર્ભમાં ખામીયુક્ત હોવાનું જણાયું છે અને યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખૂબ જ ઉચ્ચ જોખમ ઊભું કરવા કરી શકે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા એબીગેઇલ જેક્સને ઉમેર્યું હતું કે પ્રેસિડન્ટ ટ્રમ્પ અમેરિકનોને આપણા દેશમાં આવીને આપણને નુકસાન પહોંચાડવા માંગતા ખતરનાક વિદેશી તત્વોથી બચાવવાના તેમના વચનને પૂર્ણ કરી રહ્યા છે. બાર રાષ્ટ્રો સંપૂર્ણ પ્રવેશ પ્રતિબંધનો સામનો કરશે.

અમેરિકામાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકાયો છે તેવા દેશોમાં અફઘાનિસ્તાન, મ્યાનમાર (બર્મા), ચાડ, કોંગો પ્રજાસત્તાક, ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન અને યમનનો સમાવેશ થાય છે. આ યાદીમાં પાકિસ્તાનનું નામ નથી.

આ ઉપરાંત ટ્રમ્પે 7 અન્ય દેશોના લોકો સામે પણ આંશિક નિયંત્રણો મૂક્યા છે. તેમાં બુરુન્ડી, ક્યુબા, લાઓસ, સિએરા લિયોન, ટોગો, તૂર્કમેનિસ્તાન અને વેનેઝુએલાનો સમાવેશ થાય છે. આ દેશોમાંથી આવતા લોકો પર હવે ખાસ શરતો અને કડક તપાસ લાગુ થશે. ટ્રમ્પે પ્રથમ કાર્યકાળ દરમિયાન 7 મુસ્લિમ દેશોના નાગરિકો પર પ્રવેશ પ્રતિબંધ મૂક્યો હતો, તેનાથી મોટો વિવાદ થયો હતો.

LEAVE A REPLY