પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકા સ્થિત ભારતીય મૂળના ફાર્મા ઉદ્યોગપતિ તન્મય શર્માની 149 મિલિયન ડોલરના હેલ્થકેર ફ્રોડમાં કથિત સંડોવણી બદલ લોસ એન્જલસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરાઈ હતી. 61 વર્ષીય શર્મા સોવરિન હેલ્થ ગ્રુપના સ્થાપક અને ભૂતપૂર્વ સીઈઓ છે. આ ગ્રુપ વ્યસન મુક્તિ સેન્ટર ચલાવતું હતું અને હાલમાં બંધ થઈ ગયેલું છે. તન્મય શર્મા મૂળ આસામના વતની છે.

તન્મય શર્મા પર ખાનગી વીમા કંપનીઓમાં 149 મિલિયન ડોલરથી વધુના ખોટા ક્લેમ કરવાનો અને દર્દીઓને રિફર કરવાના બદલામાં કુલ 21 મિલિયન ડોલર ચૂકવ્યાના આરોપ છે. આ ઉપરાંત વાયર ફ્રોડના ચાર, ષડયંત્રનો એક અને ક્લિનિકલ ટ્રીટમેન્ટ ફેસિલિટીઝને દર્દીઓ રિફર કરવાના બદલામાં પૈસા ચૂકવવાના ત્રણ આરોપ છે.

ન્યાય વિભાગે જણાવ્યું હતું કે 2014થી 2020 દરમિયાન સોવરેન હેલ્થ ગ્રૂપે ડ્રગ એડિક્ટ્સ અને માનસિક અસ્વસ્થ દર્દીઓની સારવારના ઊંચા બિલ વિમા કંપનીઓમાંથી પાસ કરાવ્યા હતા. આ બિલ નેટવર્કના રેટ્સથી ઘણા વધારે હતા. તન્મય શર્માની સૂચનાથી સોવરેન હેલ્થ ગ્રૂપના એમ્પ્લોયીઝ જુદી-જુદી માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવી દર્દીઓને ગ્રૂપના ટ્રીટમેન્ટ સેન્ટર્સના ટોલ ફ્રી નંબર પર ફોન કરવા આકર્ષિત કરતા હતાં. ફેડરલ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે, સોવરેન ગ્રૂપમાં ફિઝિશિયન્સ કામ કરતા ના હોવા છતાં યુરિન ટેસ્ટ્સના ઘણા બધા ક્લેમ કરવામાં આવ્યા હતા.

LEAVE A REPLY