REUTERS/Nathan Howard/File Photo

અમેરિકામાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને બિલિયોનેર ઇલોન મસ્ક વચ્ચેની દોસ્તી ગુરુવારે દુશ્મનીમાં પલટાઈ ગઈ હતી. બંને દિગ્ગજોએ જાહેર બાખડ્યા હતાં. ટ્રમ્પે સરકારી કોન્ટ્રાક્ટ રદ કરવાની ધમકીઓ આપી હતી, બીજી તરફ મસ્કે પ્રેસિડન્ટ પર મહાભિયોગ ચલાવવાના સૂચનને સમર્થન આપ્યું હતું. બંને વચ્ચે વિવાદ વકરતાં વ્હાઇટ હાઉસના સહાયકોએ શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્ક વચ્ચે ફોન પર વાતચીતનું આયોજન કર્યું હોવાના પણ અહેવાલ મળ્યાં હતાં.
આ વિવાદને પગલે મસ્કની કંપની ટેસ્લાના શેરના ભાવમાં આશરે 14 ટકાનો ઘટાડો થયો હતો અને એક દિવસનું કંપનીના માર્કેટવેલ્યૂમાં 150 બિલિયન ડોલરનું ધોવાણ થયું હતું, જે કંપનીના ઇતિહાસનું સૌથી વધુ છે.

ગુરુવારે ટ્રમ્પે ઓવલ ઓફિસમાં મસ્કની ટીકા કર્યા પછી વાકયુદ્ધ ચાલુ થયું હતું. બંનેએ પોત પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકબીજાની ટીકા કરી હતી. એક અઠવાડિયા પહેલા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સીના વડા તરીકેની ભૂમિકા છોડી દેનારા મસ્કે ટ્રમ્પના મોટા કર કાપ અને ખર્ચ બિલની નિંદા કરી ત્યારે આ મતભેદ શરૂ થયા હતાં. મસ્કે ટ્રમ્પના આ બિલને દેશના દેવામાં વધારો કરનારું જણાવ્યું હતું. પ્રેસિડન્ટ શરૂઆતમાં ચૂપ રહ્યાં હતાં.
ગુરુવારે ટ્રમ્પે પોતાની ચુપકીદી તોડીને પત્રકારોને કહ્યું કે તેઓ મસ્કથી “ખૂબ જ નિરાશ” થયા છે. ઇલોન અને મારા સંબંધો ખૂબ સારા હતાં. મને ખબર નથી કે હવે રહેશે કે નહીં.

મસ્કે X પર જવાબ આપતા જણાવ્યું હતું કે મારા વિના, ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત. બીજી એક પોસ્ટમાં મસ્કે ભારપૂર્વક જણાવ્યું હતું કે ટ્રમ્પની ટેરિફથી આ વર્ષના અંત સુધીમાં અમેરિકા મંદીમાં ધકેલાઈ જશે.
વળતો જવાબ આપતા ટ્રમ્પે જણાવ્યું હતું કે “આપણા બજેટમાં અબજો-અબજો ડોલર બચાવવાનો સૌથી સહેલો રસ્તો ઇલોનની સરકારી સબસિડી અને કરારોને સમાપ્ત કરવાનો છે. ટ્રમ્પ પર મહાભિયોગ ચલાવવા અંગેની એક પોસ્ટનો મસ્કે હકારમાં જવાબ આપ્યો હતો.

મસ્કના બિઝનેસમાં રોકેટ કંપની અને સરકારી કોન્ટ્રાક્ટર સ્પેસએક્સ અને તેના સેટેલાઇટ યુનિટ સ્ટારલિંકનો પણ સમાવેશ થાય છે.મસ્કનો સ્પેસ બિઝનેસ યુએસ સરકારના અવકાશ કાર્યક્રમમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મસ્કે કહ્યું કે ટ્રમ્પની ધમકીઓના પરિણામે તેઓ સ્પેસએક્સના ડ્રેગન અવકાશયાનને બંધ કરવાનું શરૂ કરશે. ડ્રેગન એકમાત્ર યુએસ અવકાશયાન છે જે આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર અવકાશયાત્રીઓને મોકલવા સક્ષમ છે.

LEAVE A REPLY