રાજકુમાર રાવ અભિનિત ફિલ્મ ભૂલચુક માફ તાજેતરમાં રીલિઝ થઇ છે. લેખક-દિગ્દર્શક કરણ શર્માની આ ફિલ્મનું શૂટિંગ બનારસના ઘાટ પર થયું છે. વારાણસી કે કાશી તરીકે ઓળખાતા આ શહેરમાં મહાદેવનું મહત્વ વધારે છે અને તેને સત્યનું શહેર પણ કહેવાય છે. ત્યાં જીવન પણ મહાદેવ અને મૃત્યુ પણ મહાદેવ છે. આ ફિલ્મમાં વામિકા ગબ્બી પણ મુખ્ય ભૂમિકામાં છે.
આ ફિલ્મમાં ઉત્તર પ્રદેશના બે બ્રાહ્મણ પરિવારોની સ્ટોરી છે, જેમાં એક પંડિતજી રવિવારે પોતાના અલગ ચૂલા પર બેસીને લવિંગયુક્ત ‘ખીર’ બનાવે છે અને તેનો પુત્ર ગાયને રોટલીને બદલે ‘પુરણપોળી’ ખવડાવવાની વાત કરે છે. બનારસમાં ઉછરેલો અને 40 વર્ષની ઉંમરે પણ 25-26 વર્ષનો યુવાન દેખાવાનો પ્રયાસ કરી રહેલો આ પુત્ર લાંચ આપીને ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરી મેળવવામાં સફળ થાય છે અને લાંચ લઈને સરકારી નોકરીઓ આપવાનો આ ધંધો ફક્ત બનારસમાં જ ચાલી રહ્યો છે. આ ફિલ્મમાં રાજન તિવારી (રાજકુમાર રાવ) અને તિતલી મિશ્રા (વામિકા ગબ્બી) લવ બર્ડ્ઝના પાત્રમાં છે.
બેરોજગાર રાજન અને નોટીગર્લ તિતલી લગ્ન કરવા માટે ઉત્સુક છે. તિતલીના પિતા (ઝાકીર હુસૈન) એક શરત મૂકે છે કે રાજનને બે મહિનાની અંદર સરકારી નોકરી મેળવે પછી લગ્ન થાય. આ ફિલ્મમાં દહેજ જેવી સામાજિક સમસ્યાને મજાકની રીતે રજૂ કરવામાં આવ્યા છે. કારણ કે, રાજન બેરોજગાર અને દેખાવમાં આકર્ષક ન હોવા છતાં પણ તિતલી તેને પસંદ કરે છે. ફિલ્મમાં ઉત્સાહજનક દેખાતી તિતલી રાજનની દુનિયાને ઉથલપાથલ કરવાની ધમકી આપે છે, રાજનની માતા અથાણાંનો નાનો બિઝનેસ કરે છે. હવે આગળની સ્ટોરી જાણવા માટે આ ફિલ્મ જોવી રહી. આ ફિલ્મ ડિજીટલ પ્લેટફોર્મ અમેઝોન પ્રાઈમ પર 6 જૂનથી સ્ટ્રીમ થઇ છે. દિનેશ વિજન નિર્મિત આ ફિલ્મના અન્ય કલાકારોમાં સંજય મિશ્રા, સીમા પાહવા, ઝાકિર હુસૈન, રઘુવીર યાદવ, ઇશ્તિયાક ખાન વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે ગીતકાર ઇર્શાદ કામિલ, સંગીતકાર તનિષ્ક બાગચી અને પટકથા લેખક હૈદર રીઝવી છે.
