ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને અમેરિકાના વાણિજ્ય પ્રધાન હોવાર્ડ લુટનિક (ANI Photo)

ભારત સાથે દ્વિપક્ષીય વેપાર સમજૂતીની મંત્રણા કરવા માટે 5 જૂને ભારતની મુલાકાતે આવેલા અમેરિકાના પ્રતિનિધિમંડળે ભારતની મુલાકાત મંગળવારે 10 જૂન સુધી લંબાવી હતી. આનાથી સંકેત મળે છે કે 9 જુલાઇની મહત્ત્વની ડેડલાઇન પહેલા બંને દેશો વચ્ચે વેપાર મંત્રણામાં સારી પ્રગતિ થઈ છે અને આ સપ્તાહે મહત્ત્વના મુદ્દાને આખરી ઓપ આપવામાં આવે તેવી શક્યતા છે.મીડિયા રિપોર્ટમાં દાવો કરાયો હતો કે બંને પક્ષો મહત્વપૂર્ણ મુદ્દા પર લગભગ સહમતિ પર પહોંચી ગયા છે.

બંને દેશો વચ્ચે 5-6 જૂને બંધબારણે સત્તાવાર મંત્રણા થઈ હતી. બંને દેશો 9 જુલાઈથી પારસ્પરિક ટેરિફના અમલ પહેલા પ્રથમ તબક્કાની ટ્રેડ ડીલ કરવા માગે છે. ભારતના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલ અને યુએસ વેપાર પ્રતિનિધિ હોવર્ડ લુટનિકે તાજેતરની ચર્ચાઓને રચનાત્મક ગણાવીને નજીકના ગાળામાં ડીલની આશા વ્યક્ત કરી હતી.

ભારતીય સૂત્રે જણાવ્યું હતું કે વાટાઘાટોના વર્તમાન રાઉન્ડ દરમિયાન બંને દેશોના પ્રતિનિધિઓ કૃષિ અને ઓટો સહિતના ટેક્લાંક ક્ષેત્રો પરની ટેરિફમાં ઘટાડો અને ભારતીય કંપનીઓ માટે સૂચિત લાભો અંગે ચર્ચા કરી રહ્યા છે.
બંને દેશના પ્રતિનિધિઓ મુખ્યત્વે ટેરિફમાં ઘટાડા મારફતે બંને દેશના બજારોને ખોલવા અને સપ્લાય ચેનના એકીકરણને બહેતર બનાવવા બાબતે વાટાઘાટો કરી રહ્યા છે. દ્વિપક્ષી વેપાર કરારના પ્રથમ તબક્કામાં બંને દેશને લાભદાયી હોય તેવા પાસા પર સંમતિ સાધવા પ્રયાસ થઈ રહ્યા છે.

ટ્રેડ ડીલ માટે બંને દેશો વચ્ચેની આ પાંચમા રાઉન્ડની મંત્રણા છે. અગાઉ દક્ષિણ અને મધ્ય એશિયા માટેના સહાયક યુએસ વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચની આગેવાની હેઠળ અમેરિકન ટીમ ભારત આવી હતી. ભારતીય ટીમે અગાઉ વોશિંગ્ટનમાં ત્રણ રાઉન્ડની મંત્રણા કરી હતી.

LEAVE A REPLY