લંડનના હીથ્રો એરપોર્ટથી રવિવારે (15 જુન) સવારે ભારતના ચેન્નાઈની ફલાઈટ માટે પણ બોઈંગ 787 ડ્રીમલાઈનર પણ રવાના થયા પછીના એકાદ કલાકમાં ટેકનિકલ ખામી જણાયાના પગલે ડોવર વિસ્તારમાં ચક્કર માર્યા પછી અને થોડું ફ્યુઅલ ડમ્પ કર્યા પછી હીથ્રો પાછું ફર્યું હતું.
આ વિમાનમાં પણ તેનો ફલેપ કામ નહીં કરતો હોવાનું પાઈલોટને જણાયું હોવાનું જાણવા મળે છે. ગયા સપ્તાહે ભારતના અમદાવાદમાં એર ઈન્ડિયાનું અમદાવાદથી લંડન આવતું બોઈંગ 787 ડ્રીમલાઈનર પણ કથિત ટેકનિકલ ખામીના પગલે ટેકોફ થયાની ગણતરીની સેકન્ડોમાં જ તૂટી પડ્યું હતું અને ફક્ત એક પેસેન્જર સિવાય બાકીના 241 લોકો માર્યા ગયા હતા.
આજે (સોમવારે) એર ઈન્ડિયાનું વધુ એક બોઈંગ 787-8 ડ્રીમલાઈનર હોંગ કોંગથી નવી દિલ્હી માટે રવાના થયા પછી ટેકનિકલ ખામી જણાયાના પગલે તેને પણ હોંગ કોંગ પાછું વાળવું પડ્યું હતું.
લંડન – ચેન્નાઈ ફલાઈટ નં. બીએ 35ના મુદ્દે બ્રિટિશ એરવેઝે મેઈલઓનલાઈન અખબારને એ વાતની પુષ્ટિ કરી હતી કે, ચેન્નાઈ જતું વિમાન રાબેતા મુજબના સાવચેતીના પગલાંરૂપે લંડનના હીથ્રો એરપોર્ટ ઉપર પરત ફર્યું હતું. ફલાઈટરડાર24 વેબસાઈટ ઉપર રજૂ કરાયેલી માહિતી અનુસાર ડોવર સ્ટ્રેઈટ ઉપરના વિસ્તારમાં વિમાને ઈંધણ ખાલી કરવા થોડો સમય ચક્કર માર્યા પછી બપોરે 1.50 કલાકે હીથ્રો ઉપર સલામત લેન્ડીંગ કર્યું હતું.
