REUTERS/Guglielmo Mangiapane



એમેઝોનના માલિકના શાહી લગ્ન ઈટાલીમાં યોજાઇ રહ્યા છે. આ લગ્નમાં દુનિયાભરની પ્રખ્યાત હસ્તીઓએ હાજરી આપી હતી. મહેમાનોની યાદીમાં બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ, ઇવાન્કા ટ્રમ્પ, જારેડ કુશનર, લિયોનાર્ડો ડી કેપ્રિયો, કિમ કાર્દાશિયન, કેટી પેરી, ડાયેન વોન ફર્સ્ટેનબર્ગ અને ઈલોન મસ્કનો સમાવેશ થતો હતો.

આ બધા મહેમાનો ગુરુવારથી વેનિસ પહોંચવા લાગ્યા હતા. એમેઝોનના માલિક અને વિશ્વના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિ જેફ બેઝોસે તેમની પ્રેમિકા લોરેન સાંચેઝ સાથે બીજા લગ્ન કર્યા હતા. આ લગ્ન ઇટાલીના સુંદર શહેર વેનિસમાં યોજાયા હતા. આ લગ્નને ‘સદીના સૌથી ભવ્ય લગ્ન’ ગણાવાયા હતા.

61 વર્ષના જેફ બેઝોસ અને તેમની મંગેતર 55 વર્ષની લોરેન સાંચેઝના લગ્ન 24 થી 28 જૂન 2025 દરમિયાન યોજાયા હતા. આ ભવ્ય ઇવેન્ટથી વેનિસના લોકો રોષે પણ ભરાયા હતા. શરૂઆતમાં જેફ બેઝોસે લગ્ન માટે વેનિસના કેનારેજિયો વિસ્તારમાં સ્કુઓલા ગ્રાન્ડે ડેલા મિસેરીકોર્ડિયા પસંદ કર્યું હતું. આ એક મધ્યયુગીન ધાર્મિક શાળા છે, જે તેની ઐતિહાસિક સુંદરતા માટે જાણીતી છે. પરંતુ સ્થાનિક લોકોને તેની જાણ થતાં જ તેની સામે વિરોધ થયો હતો.

આ મેગા ઇવેન્ટ પર 48 મિલિયન યુરો એટલે કે 55.69 મિલિયન ડોલર એટલે કે 400 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થયાનો અંદાજ છે. મહેમાનોને લઈ જવા માટે 90 ખાનગી જેટ વિમાનો, મહેમાનોને શહેરના નહેરો દ્વારા આર્સેનલ લઈ જવા માટે 30 વોટર ટેક્સીનો ઉપયોગ થયો હતો.

લોરેન સાંચેઝના લગ્નના પોશાક માટે પણ લગભગ 1.5 મિલિયન ડોલરના ખર્ચનો અંદાજ છે. લોરેન સાંચેઝ એક પ્રખ્યાત મીડિયા પર્સન, ન્યૂઝ એન્કર અને નિર્માતા છે. 55 વર્ષીય લોરેન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેના ઇન્સ્ટાગ્રામ ફોલોઅર્સ 3 લાખથી વધુ છે.

 

LEAVE A REPLY