પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આંતરરાષ્ટ્રીય અવકાશ મથકમાં રહેલા ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા સાથે વાતચીત કરી. (DPR PMO/ANI ફોટો)

શુભાંશુ શુક્લા સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત શનિવારે વિસ્તૃત સંવાદ કર્યો હતો. મોદીએ વાતચીતનો આરંભ નમસ્કાર કહીને કર્યો અને પછી કહ્યું કે આજે તમે (શુભાંશુ) ભારતથી દૂર છો, પરંતુ ભારતની આકાંક્ષાઓ તમારી સાથે છે. તમારા નામમાં પણ શુભ છે, તમારી યાત્રા નવા યુગનો શુભારંભ પણ છે. વાતચીત આપણે બંને કરી રહ્યા છીએ, પરંતુ મારા અવાજમાં તમામ ભારતીયોનો ઉત્સાહ અને ઉમંગ પણ છે. અંતરિક્ષમાં ભારતનો ધ્વજ લહેરાવવા માટે તમને શુભકામના પાઠવું છું.

વડાપ્રધઆન મોદીએ એમ પણ પૂછ્યું કે ત્યાં બધુ કુશળ મંગળ છે ને, તમારી તબિયત બરાબર છે? તેના જવાબમાં શુભાંશુ શુક્લાએ કહ્યું કે ભારતીયોની શુભકામનાઓથી હું અહીં બરાબર છું. જ્યારે નાનો હતો તો ક્યારે વિચાર્યું ન હતું કે ક્યારેય પણ અંતરિક્ષમાં જઈશ. આજે તમારા(પીએમ મોદીના) નેતૃત્વમાં આજનું ભારત સપનાઓને સાકાર કરવાનો અવસર આપે છે. તેનું પરિણામ છે કે હું દેશનું પ્રતિનિધિત્વ કરી શક્યો છું.

મોદીએ શુભાંશુ શુક્લાને પૂછ્યું કે તમે જો ગાજર હલવો, મગ દાળનો હલવો, કેરીનો રસ લઈને ગયા છો, એ તમારા સાથીઓને ખવડાવ્યા કે નહીં? તેના પર શુભાંશુએ કહ્યું કે બિલકુલ તમામ સાથીઓએ સ્વાદ લીધો.
શુભાંશુએ એમ પણ કહ્યું કે અંતરિક્ષમાંથી જોતાં ભારતનો નજારો ખૂબ ભવ્ય લાગે છે, જેટલો નકશામાં દેખાય છે, તેનાથી વધુ ભવ્ય દેખાય છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે મારી આદત છે કે જ્યારે કોઈને મળું છું, હોમવર્ક આપું છું. તમારું હોમવર્ક એ છે કે તમને જે અનુભવ મળી રહ્યો છે, તેનાથી આપણને ગગનયાનને આગળ વધારવાનું છે, ચંદ્ર પર લેન્ડિંગ કરાવવાનું છે.
તેના જવાબમાં શુભાંશુએ કહ્યું કે અહીં મને જે અનુભવ મળી રહ્યો છે, એ ખૂબ કિંમતી છે. જ્યારે હું પરત આવીશ, તો ચોક્કસ જ ગગનયાન સહિત અન્ય મિશનોને આગળ વધારવા માટે કામ કરીશ.

શુભાંશું અવકાશમાં નાના બાળકની જેમ ખાતાપીતાં શીખી રહ્યો છેસ્પેસ સ્ટેશનમાં પહોંચ્યા બાદના એક વીડિયો મેસેજમાં શુક્લાએ કહ્યું, હું અવકાશમાં ચાલવાનું અને બાળકની જેમ ખાવા-પીવાનું શીખી રહ્યો છું. તેમણે એમ પણ કહ્યું કે, હું ખૂબ સૂઈ રહ્યો છું. આ એક નાનું પગલું છે, પરંતુ તે ભારતના માનવ અવકાશ કાર્યક્રમ તરફ એક સ્થિર અને નક્કર પગલું છે.

આ સાથે, શુક્લા આ મિશનને લઈને ઉત્સાહિત દેખાતા હતા. તેમણે કહ્યું, હું આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર સમય વિતાવવા અને તમારા અનુભવો તમારી સાથે શેર કરવા માટે ઉત્સુક છું. શુભાંશુ શુક્લાને આ મિશન પહેલા 30 દિવસ માટે ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા.

આ વીડિયો મેસેજમાં, શુભાંશુ શુક્લા તેમના નાના સોફ્ટ ટોય, હંસ સાથે જોવા મળ્યા હતા. શુભાંશુ શુક્લાએ હંસ વિશે કહ્યું, ભારતીય સંસ્કૃતિમાં, હંસ જ્ઞાનનું પ્રતીક છે. તેમણે કહ્યું, હું અહીંના દૃશ્યો જોઈ રહ્યો છું, તેનો આનંદ માણી રહ્યો છું અને આ વાતાવરણમાં કેવી રીતે ખાવું તે શીખી રહ્યો છું.
ભારતને આ મિશનથી ઘણો લાભ થશે

શુભાંશુ અને ભારતને આ મિશનથી ઘણો ફાયદો થવાનો છે. આ મિશનને ભારતના મહત્ત્વાકાંક્ષી ગગનયાન કાર્યક્રમ તરફ એક મોટું પગલું માનવામાં આવે છે, જેની પ્રથમ માનવ-ઉડાન ૨૦૨૭માં પ્રસ્તાવિત છે. આ સમય દરમ્યાન શુભાંશુ માત્ર અત્યાધુનિક અવકાશ ટેક્નિકોથી પરિચિત થશે એટલું જ નહીં, તે વાસ્તવિક સમયમાં અવકાશ સંશોધન પ્રક્રિયાઓ અને પ્રયોગોનો અનુભવ પણ કરશે. ISS પરના તેમના ૧૪ દિવસના રોકાણ દરમ્યાન શુભાંશુ અવકાશ પોષણ, ખાદ્ય સુરક્ષા અને શૂન્ય ગુરુત્વાકર્ષણમાં બીજમાંથી પાક ઉગાડવા સંબંધિત પ્રયોગો કરશે. આ પ્રયોગો માત્ર અવકાશયાત્રીઓ માટે જ નહીં, પૃથ્વી પર કૃષિ અને ખાદ્ય વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ મહત્ત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.

LEAVE A REPLY