અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જાહેરાત કરી હતી કે, 1 ઓગસ્ટથી કેનેડાથી આયાત થતી ચીજ-વસ્તુઓ પર 35 ટકા ટેરિફ લાદવામાં આવશે. પ્રેસિડેન્ટ ટ્રમ્પે આ નિર્ણય કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે ટ્રમ્પે આવા 20થી વધુ પત્રો લખ્યા હતા. ટ્રમ્પે જેને ‘પારસ્પરિક’ ટેરિફ કહ્યા હતા તે માટે થઇ રહેલી મંત્રણા દરમિયાન આ જાહેરાત કરવામાં આવી છે, આ મંત્રણામાં તેમણે વારંવાર એકતરફી દર નક્કી કરવાની ચીમકી આપી હતી. ટ્રમ્પે તેમના ટ્રૂથ સોશિયલ પ્લેટફોર્મ પર પોસ્ટ કરેલા આ પત્રમાં જણાવ્યું હતું કે, ‘યુનાઇટેડ સ્ટેટ્સ સાથે કામ કરવાને બદલે, કેનેડાએ પોતાના ટેરિફ લાદીને તેના પ્રતિભાવરૂપે કાર્યવાહી કરી હતી. 1 ઓગસ્ટ, 2025થી, અમે કેનેડાથી અમેરિકામાં મોકલવામાં આવતી સ્થાનિક ઉત્પાદિત ચીજ-વસ્તુઓ પર 35 ટકા ટેરિફ વસૂલીશું, જે તમામ ક્ષેત્રીય ટેરિફથી અલગ હશે.’ ટ્રમ્પે એવી પણ ચીમકી આપી હતી કે, જો કેનેડાની સરકાર અમેરિકાની ચીજ-વસ્તુઓ પર તેનો ટેરિફ વધારશે, તો યુનાઇટેડ સ્ટેટ્સ તેના વર્તમાન 35 ટકા ટેરિફમાં એટલી જ રકમનો વધારો કરીને પ્રતિભાવ આપશે.
