બોલિવૂડ પ્રોડસર ભૂષણ કુમાર (એલ) અને અભિનેત્રી દિવ્યા ખોસલા કુમાર (Photo by LILLIAN SUWANRUMPHA/AFP via Getty Images)

બોલીવૂડના ફિલ્મકારોની આવકનો મુદ્દો હંમેશા તેમના ચાહકોની ચર્ચામાં રહેતો હોય છે. ઘણા ફિલ્મકારો ફિલ્મો, બ્રાન્ડ કેમ્પેઇન અને અન્ય બિઝનેસ દ્વારા મોટી કમાણી કરતાં હોય છે. ફિલ્મ સેલિબ્રિટીઝની આવકમાં સતત વધારો થઇ રહ્યો હોય છે, પરંતુ કેટલાકે લોકોએ સૌથી વધુ ધનવાન ફિલ્મી પરિવારોની યાદીમાં વર્ષોથી મજબૂત સ્થાન જમાવ્યું છે.

સામાન્ય રીતે ખાન, કપૂર અને ચોપરા પરિવારને બોલીવૂડમાં સૌથી વધુ પ્રભાવશાળી માનવામાં આવે છે. જોકે, આ તમામ કરતાં ઓછા જાણીતા હોવા છતાં એક જમાનામાં કેસેટ કિંગ તરીકે પ્રખ્યાત સ્વ. ગુલશનકુમારના પરિવાર સૌથી વધુ ધનવાનોની યાદીમાં મોખરે છે. જાણીતી મ્યુઝિક કંપની ટી-સિરીઝના સંચાલક સ્વ. ગુલશનકુમારના પરિવાર પાસે રૂ. 10,000 કરોડની સંપત્તિ હોવાનું કહેવાય છે.

ટી-સિરીઝના સ્થાપક ગુલશનકુમારની હત્યા પછી સમગ્ર બિઝનેસ તેમના દીકરા ભુષણ કુમારે સંભાળ્યો છે. હુરુન રિચ લિસ્ટ મુજબ, ભારતીય ફિલ્મ અને સંગીત ઉદ્યોગમાં ટી-સિરીઝના સંચાલકોની પ્રતિષ્ઠા સૌથી વધુ છે. જ્યારે ખાન, કપૂર અને ચોપરા પરિવારમાં જાણીતા અભિનેતા-નિર્માતા-દિગ્દર્શકોનો સમાવેશ થાય છે. ભુષણકમારના પરિવારમાં એવા જાણીતા નામ નથી. આમ છતાં બોલીવૂડમાં તેમનો દબદબો છે અને સંપત્તિની રીતે તેમની નજીક પણ કોઈ આવી શકે તેમ નથી.

કહેવાય છે કે, ગુલશનકુમારે દિલ્હીમાં ફ્રૂટ જ્યુસ વેચવાથી શરૂઆત કરી હતી. બાદમાં પિતા સાથે મળી તેમણે મ્યુઝિક કેસેટની નાની દુકાન શરૂ કરી હતી. આ બિઝનેસમાં ફાવટ આવી જતાં તેઓ ટૂંક સમયમાં જ દેશના કેસેટ કિંગ બની ગયા અને સુપર કેસેટ્સની સ્થાપના કરી હતી, જે પછીથી ટી-સિરીઝ તરીકે જાણીતી બની હતી. ગુલશનકુમારની હત્યા પછી કંપનીનું સુકાન તેમના દીકરા ભુષણકુમાર અને ભાઈ કિશનકુમાર સંભાળી રહ્યા છે. ભુષણકુમારની પત્ની દિવ્યા ખોસલાએ અભિનય અને દિગ્દર્શનમાં ઓળખ મેળવી છે. તેમની નાની બહેન તુલસીકુમાર સિંગર છે. આમ, સમગ્ર પરિવાર ફિલ્મ-સંગીત સાથે જોડાયેલો છે. દેશના મોખરાના પ્રોડક્શન હાઉસમાં સ્થાન ધરાવતા ટી-સિરીઝે બાહુબલિ 2, દંગલ, 3 ઈડિયટ્સ, આશિકી 2, બજરંગી ભાઈજાન, એક થા ટાઈગર જેવી અનેક હિટ ફિલ્મો બનાવી છે.

બોલીવૂડમાં યશરાજ પરિવાર બીજા ક્રમે

બોલીવૂડમાં સ્વ. ગુલશનકુમાર પરિવાર પછી બીજા ક્રમે ચોપરા પરિવાર આવે છે. યશરાજ ફિલ્મ્સ અને બીઆર ફિલ્મસ ધરાવતા આ પરિવારની નેટવર્થ રૂ. 8000 કરોડની હોવાનું કહેવાય છે. યશ ચોપરાના નિધન બાદ યશરાજ ફિલ્મ્સનું સંચાલન તેમના પુત્ર આદિત્ય ચોપરા અને ઉદય ચોપરા કરી રહ્યાં છે. જાણીતી અભિનેત્રી રાણી મુખરજીએ આદિત્ય ચોપરા સાથે લગ્ન કર્યા છે. તેમના પછીના ધનવાન પરિવારમાં શાહરૂખ અને ગૌરી ખાન આવે છે. શાહરૂખ પાસે રૂ.7,800 કરોડની સંપત્તિ છે. જોકે, સૌથી વધુ ધનવાન અભિનેતાની યાદીમાં શાહરૂખ ખાન અગ્રેસર છે. એક સમયે સૌથી વધુ ધનિક ગણાતા સ્વ. રાજ કપૂરના પરિવારની સંયુક્ત સંપત્તિ અત્યારે રૂ.2,000 કરોડ જેટલી છે. સૌથી વધુ ફિલ્મ સ્ટાર્સ ધરાવતા આ પરિવારની પ્રસિદ્ધિ વિશ્વભરમાં ફેલાયેલી છે, પરંતુ સમયની સાથે તેમની સંપત્તિમાં ખાસ વધારો થયો નથી.

સાઉથ ઇન્ડિયામાં તેલુગુ સ્ટાર્સ મોખરે

સાઉથ ઇન્ડિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધુ ધનિક પરિવારોમાં તેલુગુ ઈન્ડસ્ટ્રી મોખરે છે. કોનિડેલા-અલ્લુ પરિવારના સ્ટાર્સમાં ચિરંજીવી, પવન કલ્યાણ, રામચરણ અને અલ્લુ અર્જુનનો સમાવેશ થાય છે. તેમની એકત્રિત સંપત્તિ રૂ. ચાર હજાર કરોડની હોવાનું કહેવાય છે. અક્કિનેની-દગ્ગુબાટી પરિવારમાં નાગાર્જુન, નાગા ચૈતન્ય, વેંકટેશ અને રાણા દગ્ગુબાટીનો સમાવેશ થાય છે. આ તમામની સંયુક્ત નેટવર્થ રૂ.5,000 કરોડ છે, તેવું સૂત્રો જણાવે છે.

 

LEAVE A REPLY