ભારતીય મૂળના એક બિઝનેસમેન અને અમેરિકાના ત્રણ શહેરોના પોલીસ વડાઓ સામે વિઝા ફ્રોડનો આરોપ મૂકવામાં આવ્યો છે. ચંદ્રકાંત “લાલા” પટેલે લ્યુઇસિયાના રાજ્યના ત્રણ શહેરોમાં પોલીસને પૈસા ચૂકવીને બનાવટી સશસ્ત્ર લૂંટના કેસ ઊભા કર્યા હતાં અને કેટલાંક લોકોને પીડિતો તરીકે જાહેર કર્યા હતા, જેથી તેઓ ગુનાના પીડિતો માટેના વિઝા મેળવી શકે.
લ્યુઇસિયાનાના લાફાયેટમાં કાર્યકારી ફેડરલ પ્રોસિક્યુટર એલેક્ઝાન્ડર વાન હૂકે જણાવ્યું હતું કે, ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ તેમની અને માર્શલ વિરુદ્ધ છેતરપિંડી અને કાવતરાના આરોપો ઘડ્યા હતા.યુએસ કાનૂની વ્યવસ્થામાં, ગ્રાન્ડ જ્યુરી એક નાગરિક પેનલ છે જે નક્કી કરે છે કે આરોપો લાવવા માટે પ્રથમ દ્રષ્ટિએ કેસ છે કે નહીં.
કોર્ટના દસ્તાવેજો મુજબ ચંદ્રકાંત “લાલા” પટેલે પોતે ગુનાના પીડિત તરીકેના વિઝા મેળવ્યા હતાં. તેમણે પોલીસ અધિકારીઓને ગુના બનાવવા અને તેમને પીડિત તરીકે દર્શાવવા માટે જે લોકોના નામો આપ્યા હતા તે દરેક માટે $5,000 ચૂકવ્યા હતાં. અમેરિકામાં “યુ વિઝા” હેઠળ ગુનાના પીડિતને કેસમાં જુબાની આપવા માટે દેશમાં રહેવાની મંજૂરી મળે છે. કોર્ટના દસ્તાવેજોમાં પટેલ અટકધારી 25 લોકોની યાદી છે, જેમને પીડિત બનાવવામાં આવ્યા હતાં.
KPLC ટીવીના રીપોર્ટ અનુસાર, લ્યુઇસિયાનામાં રાજ્ય સ્તરે એક અલગ ઘટનાક્રમમાં, ઓકડેલ પોલીસ વડા ચાડ ડોયલની પત્ની એલિસન ડોયલની રાજ્ય ભ્રષ્ટાચારના આરોપસર ધરપકડ કરાઈ હતી. આ ફેડરલ કેસમાં તેની સામે આરોપ મુકાયા નથી, પરંતુ તેના પરંતુ તેના પતિ, ફોરેસ્ટ હિલના પોલીસ વડા ગ્લિન ડિક્સન, ગ્લેનમોરાના ટેબો ઓનિશિયા અને ઓકડેલ માર્શલ માઈકલ સ્લેની સામે આરોપ મુકવામાં આવ્યાં છે.
ચંદ્રકાંત પટેલ બે સ્ટોરના માલિક અને એક ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટના સંચાલક છે.અધિકારીઓએ આ કેસમાં પટેલ સાથે જોડાયેલા $230,000 અને $51,000 પ્રોપર્ટી વર્ક શોધી કાઢ્યા હતાં.
તાજેતરના એક કેસમાં, મે મહિનામાં મેસેચ્યુસેટ્સની ફેડરલ કોર્ટમાં બે ભારતીય મૂળના પુરુષોએ કબૂલાત કરી હતી કે તેમણે સ્ટોરના કર્મચારીઓ અથવા માલિકોને યુ વિઝા મેળવવા માટે સશસ્ત્ર લૂંટનો બનાવટી પ્રયાસ કર્યો હતો.રામભાઈ પટેલ અને બલવિંદર સિંહે અમેરિકામાં ઓછામાં ઓછા નવ સ્થળો – દુકાનો, દારૂની દુકાનો અને ફાસ્ટ-ફૂડ રેસ્ટોરન્ટમાં સશસ્ત્ર લૂંટનું તરકટ રચ્યું હતું.
