કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઇન્ટરનેશનલ પીસના નવા રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં જન્મેલા ભારતીય અમેરિકનો પોતાના વારસા સાથે સાંસ્કૃતિક અને ઓળખ આધારિત ગાઢ સંબંધમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવી રહ્યા છે. 86 ટકા લોકો પોતાને ‘ભારતીય અમેરિકન’ કહેવામાં ગર્વ અનુભવે છે. 2020ના રીપોર્ટની સરખામણીએ આ રીપોર્ટમાં નોંધપાત્ર વધારો જણાયો છે. એક સર્વેમાં અમેરિકામાં જન્મેલા 70 ટકા ભારતીય અમેરિકન ઉત્તરદાતાઓએ કહ્યું હતું કે, ભારતીય હોવું તેમના માટે ‘ખૂબ’ અથવા ‘થોડું’ મહત્વપૂર્ણ છે. આ રીપોર્ટ મુજબ, જે ભારતીયો માટે તેમની ઓળખ મહત્ત્વની નહોતી તેમનું પ્રમાણ અડઘું ઘટીને 15 ટકા થઇ ગયું હતું, જે 2020માં 30 ટકા હતું. ગત વર્ષે સપ્ટેમ્બર અને ઓક્ટોબર વચ્ચે કરવામાં આવેલા ઇન્ડિયન અમેરિકન એટીટ્યૂડ સર્વે (IASS) પર આધારિત આ રીપોર્ટ લાંબા સમયથી પ્રચલિત એવી ધારણાને પડકારે છે કે, ઇમિગ્રન્ટ સમુદાયોની નવી પેઢી ધીમે ધીમે અમેરિકન સંસ્કૃતિને સ્વીકારીને તેમની વારસાગત ઓળખને ભૂલી રહી છે. આ રીપોર્ટમાં લોકોની પોતાની ઓળખમાં કેવું પરિવર્તન થાય છે તે પણ જાણવા મળ્યું છે. આવા લોકોમાં ‘ભારતીય અમેરિકન’ તરીકેની ઓળખનો ઉપયોગ કરનારાઓમાં ઘટાડો જોવા મળ્યો હતો અને પોતાને ‘એશિયન ભારતીય’ તરીકે કહેનારાઓની સંખ્યામાં વધારો થયો હતો. આ રીપોર્ટમાં રજૂ કરવામાં આવેલા તારણો અમેરિકામાં વસતા 1206 ભારતીય અમેરિકનના રાષ્ટ્રવ્યાપી ઓનલાઇન સર્વે આધારિત છે.
