અમેરિકા સાથે વેપાર કરાર ચાલુ હોવાનો ઉલ્લેખ કરીને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે શનિવારે જણાવ્યું હતું કે ભારત આંતરરાષ્ટ્રીય વેપાર કરારો ત્યારે જ કરશે જો તે દેશના હિતોને અનુરુપ હોય. જો ભારતને સારી ડીલ મળશે તો જ તે આગળ વધશે.
ઉદ્યોગમહામંડળ એસોચેમના એક કાર્યક્રમ દરમિયાન મીડિયાને સંબોધતાં ગોયલે જણાવ્યું હતું કે અમેરિકા સાથે વાટાઘાટો ચાલુ છે. વેપાર સોદા ફક્ત ત્યારે જ સાકાર થશે જો તે દેશના વ્યાપક હિતમાં હશે. જો તે નહીં થાય, તો અમે તે કરીશું નહીં. ભારત હંમેશા દેશના હિતને પ્રથમ સ્થાને રાખે છે.
દરમિયાન અધિકારીએ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાના પ્રતિનિધિમંડળોએ આ અઠવાડિયે વોશિંગ્ટનમાં સૂચિત દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) માટે વાટાઘાટોનો પાંચમો રાઉન્ડ પૂર્ણ કર્યો છે. વોશિંગ્ટનમાં 14થી 17 જુલાઈ દરમિયાન ચાર દિવસ વાટાઘાટો ચાલી હતી. ભારતના મુખ્ય વાર્તાકાર અને વાણિજ્ય વિભાગમાં વિશેષ સચિવ રાજેશ અગ્રવાલ ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યાં છે. હવે ભારતનું પ્રતિનિમંડળ પરત આવી રહ્યું છે.
આ વેપાર મંત્રણા મહત્વપૂર્ણ છે કારણ કે બંને પક્ષો 1 ઓગસ્ટ પહેલા વચગાળાના વેપાર કરારને આખરી ઓપ આપવા માગે છે. પહેલી ઓગસ્ટ પછી ભારત સહિત ડઝનબંધ દેશો પર ટ્રમ્પની રેસિપ્રોકલ ટેરિફનો અમલ શરૂ થશે. આ વર્ષે બે એપ્રિલ ટ્રમ્પે વિશ્વના અનેક દેશો સાથે ભારત પર 26 ટકા ટેરિફની જાહેરાત કરી હતી. જોકે પછી તેને 9 જુલાઈ સુધી 90 દિવસ માટે સ્થગિત કરાઈ હતી. આ પછી તેને પહેલી ઓગસ્ટ સુધી સ્થગિત કરાઈ હતી. અમેરિકા હાલમાં સંખ્યાબંધ દેશો સાથે વેપાર કરારની મંત્રણા કરી રહ્યું છે.
વાટાઘાટોના પાંચમા રાઉન્ડ દરમિયાન કૃષિ અને ઓટોમોબાઈલ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા થઈ હોવાનું માનવામાં આવે છે. બિન-બજાર અર્થતંત્રો અને SCOMET (ખાસ રસાયણો, ઓર્ગેનિઝમ, મટેરિયલ, ઇક્વિપમેન્ટ અને ટેકનોલોજી)ના મુદ્દે પણ ચર્ચાવિચારણા થઈ હતી.
