ઉપરવાસના પ્રદેશમાંથી મોટા પાયે પાણીનો પ્રવાહ આવતાં પાણીનું સ્તર જાળવી રાખવા માટે ગુજરાતના એકતા નગર ખાતે સરદાર સરોવર ડેમના કુલ 30 દરવાજામાંથી પાંચ દરવાજા ખોલવામાં આવ્યા હતાં. આની સાથે નર્મદા નદીના કાંઠા પરના ગામડામાં એલર્ટ પણ જારી કરાયો હતો.
આ ચોમાસાની ઋતુમાં સરદાર સરોવર ડેમના દરવાજા પહેલી વાર ખોલવામાં આવ્યા હતાં. ગુરુવાર, 31 ઓગસ્ટે બપોર સુધીમાં ડેમમાં જળસ્તર ૧૩૧ મીટરની ઊંચાઈને સ્પર્શી ગયું હતું, જે તેના સંપૂર્ણ જળાશય સ્તર ૧૩૮.૬૮ મીટરથી લગભગ ૮ મીટર ઓછું હતું.
સરદાર સરોવર નર્મદા નિગમ (SSNNL)એ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે 24 કલાકમાં ડેમના પાણીના સ્તરમાં 2.71 સેન્ટિમીટરનો વધારો થયા બાદ ગુરુવારે સવારે 11 વાગ્યે ડેમના કુલ 30 દરવાજામાંથી પાંચ દરવાજા બે મીટરની ઊંચાઈ સુધી ખોલવામાં આવ્યાં હતાં.નર્મદા બેસિનના ઉપરવાસના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદ અને પડોશી મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવાને કારણે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલાયા હતાં.
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલા ડેમમાં હાલમાં 4.22 લાખ ક્યુસેક (ક્યુબિક ફીટ પ્રતિ સેકન્ડ) પાણી આવી રહ્યું છે જ્યારે પાંચ દરવાજા ખોલીને લગભગ 85,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વધુમાં, નર્મદા નહેરમાં લગભગ 4,100 ક્યુસેક પાણી પણ છોડવામાં આવી રહ્યું છે.
રિલીઝમાં જણાવાયું છે કે ડેમની કુલ પાણી સંગ્રહ ક્ષમતા 9,460 મિલિયન ક્યુબિક મીટર છે, પરંતુ હાલમાં તેમાં 7,151.67 MCM (મિલિયન ક્યુબિક મીટર) પાણી છે જે તેની ક્ષમતાના 75 ટકા જેટલું છે.
