ટ્રમ્પની ટેરિફની જાહેરાત અંગે પ્રતિક્રિયા આપતા ભારત સરકારે જણાવ્યું હતું કે સરકાર 25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટીની અસરો અંગે અભ્યાસ કરી રહી છે તથા હજુ પણ વાજબી, સંતુલિત અને પરસ્પર ફાયદાકારક દ્વિપક્ષીય વેપાર કરાર પૂર્ણ કરવાની આશા રાખે છે. સરકાર દેશના રાષ્ટ્રીય હિતને સુરક્ષિત રાખવા માટે તમામ જરૂરી પગલાં લેશે.
સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરમાં બ્રિટન થયેલા કરાર સહિતના તમામ બીજા કરારોમાં રાષ્ટ્રીય હિતને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. સરકારે દ્વિપક્ષીય વેપાર અંગે યુએસ પ્રેસિડન્ટના નિવેદનની નોંધ લીધી છે. સરકાર તેના પરિણામોનો અભ્યાસ કરી રહી છે. ભારત અને અમેરિકા છેલ્લા કેટલાક મહિનાઓથી વાજબી, સંતુલિત અને પરસ્પર ફાયદાકારક દ્વિપક્ષીય વેપાર કરાર પૂર્ણ કરવા માટે વાટાઘાટોમાં રોકાયેલા છે.
અમે તે ઉદ્દેશ્ય પ્રત્યે પ્રતિબદ્ધ છીએ. નિવેદનમાં વધુમાં જણાવાયું હતું કે સરકાર ખેડૂતો, ઉદ્યોગસાહસિકો અને MSMEના કલ્યાણને સુરક્ષિત રાખવા અને પ્રોત્સાહન આપવાને ખૂબ મહત્વ આપે છે. સરકાર આપણા રાષ્ટ્રીય હિતને સુરક્ષિત રાખવા માટે જરૂરી તમામ પગલાં લેશે. સરકારની આ ટિપ્પણીઓ મહત્વપૂર્ણ છે, કારણ કે ભારતે અમેરિકાને કૃષિ અને ડેરી ક્ષેત્રો પર ડ્યુટી છૂટ આપવા અંગે પોતાનું વલણ કડક બનાવ્યું છે. અમેરિકા આ બંને ક્ષેત્રોમાં ડ્યૂટી માફી માગી રહ્યું છે.
