હીરા
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ડી કે એન્ડ સન્સ ડાયમંડ કંપનીમાંથી જન્માષ્ટમીની ત્રણ દિવસની જાહેર રજા દરમિયાન ₹25 કરોડથી વધુના હીરા અને રોકડ રકમની ચોરી થઈ હતી. આ ઘટનાથી શહેરના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચાવી દીધો હતો.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચોરો કપૂરવાડીમાં કંપનીના ચોથા માળે આવેલી ઓફિસમાં ઘૂસી ગયા, કટરથી તિજોરી ખોલી હતી તથા રફ હીરા અને રોકડ રકમ લઈને ભાગી ગયા હતાં. તમામ પુરાવાનો નાશ કરવા માટે, તેઓએ સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતાં અને ડીવીઆર સિસ્ટમ લઇને ભાગી ગયા હતાં.

પોલીસની પ્રાથમિક માહિતી અનુસાર તસ્કરોએ જન્માષ્ટમીની ત્રણ દિવસની જાહેર રજાઓનો લાભ ઉઠાવીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ચોરોએ તિજોરીને ખાસ કટર વડે કાપીને અંદર રાખેલા કિંમતી હીરા અને રોકડની ચોરી કરી હતી. તસ્કરો ઘટનાના કોઈ પુરાવા ન રહે તે માટે CCTV ફૂટેજ અને DVR પણ સાથે લઈ ગયા હતાં.

આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક સ્થાનિક પોલીસ અને શહેર ક્રાઇમ બ્રાંચની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને FSLની ટીમની મદદથી તપાસ શરૂ કરી હતી. પોલીસે આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજની તપાસ હાથ ધરી હતી, જેથી તસ્કરોની ઓળખ થઈ શકે. આટલી મોટી અને સુનિયોજિત ચોરી પાછળ કોઈ મોટી ગેંગનો હાથ હોવાની પોલીસે આશંકા વ્યક્ત કરી હતી.

LEAVE A REPLY