ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારત કાતિલ ઠંડીમાં ઠુંઠવાયા હતાં.રવિવારની રાત્રે રાજસ્થાનના પ્રતાપગઢ માઈનસ 2 ડિગ્રી અને બાડમેરમાં માઈનસ 1 ડિગ્રીની ગાત્રો થીજવતી ઠંડીનો અનુભવ થયો હતો. ઉત્તર ગુજરાતમાંથી ફુંકાતા બર્ફિલા પવનને કારણે ગુજરાતમાં પણ ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી ચાલુ થઈ હતી. કચ્છ જિલ્લાનું નલિયા 3.8 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. કચ્છ ઉપરાંત ગાંધીનગર, રાજકોટ, ભૂજ, અમરેલીમાં પણ લઘુતમ તાપમાન સિંગલ ડિજિટમાં રહ્યું હતું.
ગુજરાતના મુખ્ય શહેરોમાં અમદાવાદમાં રવિવાર, 11 જાન્યુઆરીની રાત્રે 14.8 ડિગ્રી, સુરતમાં 14.4, વડોદરામાં 14.2 ડિગ્રી અને રાજકોટમાં 10.3 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. દિલ્હીના કેટલાક સ્થળોએ આ સિઝનમાં પહેલીવાર પારો 3 ડિગ્રીથી નીચે જતાં પ્રથમ કોલ્ડવેવનું અનુભવ થયો હતો. બીજી તરફ ભારતીય હવામાન વિભાગ (IMD) આગામી થોડા દિવસો સુધી કાતિલ ઠંડી ચાલુ રહેવાની આગાહી કરી હતી.
હિમાચલપ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડમાં પણ કેટલાંક સ્થળોએ તાપમાન શૂન્ય ડિગ્રી નીચે નોંધાયું હતું. પંજાબ અને હરિયાણામાં પણ પારો શૂન્ય ડિગ્રીની નજીક પહોંચ્યો હતો. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં કાતિલ કોલ્ડ વેવ ચાલુ રહી હતી. પ્રતાપગઢમાં લઘુત્તમ તાપમાન માઈનસ 2 ડિગ્રી, જ્યારે બાડમેરમાં લઘુત્તમ તાપમાન માઈનસ 1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. પૂર્વ રાજસ્થાનમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળ્યો હતો. રાજ્યના પિલાનીમાં 1.2, સીકરમાં 1.7, ઝુનઝુનુમાં 1.9 અને ચુરુમાં ૨ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના મોટાભાગના સ્થળોએ પારો 10 ડિગ્રીથી નીચે રહ્યો હતો.
દિલ્હીમાં સિઝનની પ્રથમ કોલ્ડ વેવનો અનુભવ થયો હતો. 2.9 ડિગ્રી સાથે આયાનગર શહેરનું સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું. પાલમ સ્ટેશને 13 વર્ષમાં સૌથી ઓછું લઘુત્તમ તાપમાન 3.0 ડિગ્રી નોંધાયું હતું. આગામી બે દિવસ સુધી આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે અને ઠંડીનો યલો એલર્ટ જારી કરાયો છે. ઠંડી સાથે હવાની ગુણવતા પણ કથળી હતી. નોઈડામાં ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડીને કારણે ધોરણ 8 સુધીની શાળાઓ 15 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ અપાયો હતો.
કાશ્મીરમાં માઇનસ 5.2 ડિગ્રી. શોપિયનમાં માઇનસ 8.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમરનાથ યાત્રાના બેઝ કેમ્પ પહેલગામમાં માઈનસ 7.6 ડિગ્રી નોંધાયું હતું.
પંજાબ અને હરિયાણાના ઘણા વિસ્તારોમાં કાતિલ ઠંડી ચાલુ રહી હતી. 1.6 ડિગ્રી સાથે ભટિંડા પંજાબનું સૌથી ઠંડુ સ્થળ હતું, જ્યારે 2.2 ડિગ્રી સાથે હિસાર હરિયાણાનું સૌથી ઠંડુ સ્થળ હતું.
ઝારખંડના આઠ જિલ્લાઓમાં તાપમાનનો પારો 10 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગયો હતો. રાજ્યમાં ગુમલામાં સૌથી ઓછું તાપમાન 2.8 ડિગ્રી નોંધાયું હતું. IMDએ 13 થી 16 જાન્યુઆરી સુધી શીત લહેરની યલો એલર્ટ જારી કર્યો હતો. રાંચી જિલ્લામાં 14 જાન્યુઆરી સુધી ધો.6 સુધીના વિદ્યાર્થીઓ માટે સ્કૂલો બંધ કરાઈ હતી.











