(ANI Photo)

સુપ્રીમ કોર્ટે ગુજરાતના જામનગર ખાતેના ગ્રીન ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર વનતારા સામે કાયદાઓનું પાલન ન કરવાના આરોપોને ધ્યાનમાં રાખીને સાચી હકીકત જાણવા માટે એક વિશેષ તપાસ ટીમ (SIT)ની સોમવાર, 25 ઓગસ્ટે રચના કરી હતી. વનતારામાં ખાસ કરીને હાથીઓ લાવવામાં આવ્યા પછી વિવાદ ઊભો થયો હતો.

સર્વોચ્ચ અદાલતે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જે. ચેલમેશ્વરની આગેવાની હેઠળ ચાર સભ્યોની એસઆઈટીની રચના કરી હતી. જસ્ટિસ ચેલમેશ્વર ઉપરાંત, SITના અન્ય સભ્યોમાં જસ્ટિસ (નિવૃત્ત) રાઘવેન્દ્ર ચૌહાણ (ઉત્તરાખંડ અને તેલંગાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ), મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર હેમંત નાગરાલે અને ભૂતપૂર્વ ભારતીય મહેસૂલ સેવા (IRS) અધિકારી અનિશ ગુપ્તા હશે. સમિતિ 12 સપ્ટેમ્બર સુધી તેનો રીપોર્ટ સુપરત કરશે

મીડિયા અને સોશિયલ મીડિયામાં પ્રકાશિત અહેવાલો તથા એનજીઓ અને વન્યજીવન સંગઠનોની વિવિધ ફરિયાદોના આધારે વનતારામાં કથિત અનિયમિતતાના આરોપો કરતી બે જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે આ નિર્ણય કર્યો હતો.

કોર્ટે કહ્યું હતું કે SIT ભારત અને વિદેશમાંથી પ્રાણીઓ, ખાસ કરીને હાથીઓની ખરીદી, વન્યજીવન (સંરક્ષણ) ધારા અને તેના હેઠળ બનાવેલા પ્રાણી સંગ્રહાલય માટેના નિયમોના પાલન અંગે તપાસ કરશે અને તેનો અહેવાલ રજૂ કરશે.કોર્ટે ઉમેર્યું હતું કે પેનલ નાણાકીય પાલન, મની લોન્ડરિંગ અને આ અરજીઓમાં કરવામાં આવેલા આરોપો સાથે સંબંધિત અન્ય કોઈપણ વિષય, મુદ્દા અથવા બાબત સંબંધિત ફરિયાદોની પણ તપાસ કરશે.

જાહેર હિતની અરજીમાં આરોપ મૂકાયો છે કે કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. રાજ્યનું વહીવટીતંત્ર નિષ્ફળ ગયું, કેટલાંક અધિકારીઓને  ધમકી આપવામાં આવી હતી. મંદિરો અને તેમના માલિકો પાસેથી બંદીવાન હાથીઓને બળજબરીથી લઈ જવામાં આવ્યા હતાં. ગુજરાતમાં વન્યજીવન બચાવ અને પુનર્વસન સુવિધાના નામે રાષ્ટ્રીય સ્તર જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરના પ્રાણીઓ અને પક્ષીઓ, જેમાંથી કેટલીક લુપ્તપ્રાય પ્રજાતિઓ છે, તેમની તસ્કરી કરાઈ છે.

 

LEAVE A REPLY