Robin Westman via YouTube/via REUTERS

અમેરિકાના મિનિયાપોલિસ શહેરમાં બુધવારે એક કેથોલિક સ્કૂલમાં થયેલા અંધાધૂંધ ફાયરિંગમાં શૂટર સહિત ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયાં હતાં અને 17 ઘાયલ થયાં હતાં. ઘાયલ બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં.

મિનિયાપોલિસ પોલીસ વડા બ્રાયન ઓ’હારાએ ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, રાઇફલ, શોટગન અને પિસ્તોલ સાથે સજ્જ, 23 વર્ષીય રોબિન વેસ્ટમેન ચર્ચની બાજુમાં ગયો અને સવારે 8:30 વાગ્યે એન્યુનસિએશન કેથોલિક સ્કૂલમાં પ્રાર્થના દરમિયાન બેઠેલા બાળકો પર બારીઓમાંથી ડઝનબંધ રાઉન્ડ ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે ગોળીબાર કરનાર વ્યક્તિનું પછી આત્મહત્યા દ્વારા મૃત્યુ થયું હતું.

પોલીસે ચર્ચમાં બોંબ મૂકવામાં આવ્યો હોવાની આશંકાને આધારે તપાસ પણ ચાલુ કરી હતી. બાળકો સવારની પ્રાર્થના કરી રહ્યાં ત્યારે આ ફાયરિંગની ઘટના બની હતી. એન્યુનશિયન કેથોલિક ચર્ચ સાથે જોડાયેલી આ ખાનગી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા 395 છે. પોલીસે જણાવ્યું હતું કે કાળા કપડા પહેરેલા એક હુમલાખોર રાઇફલ સાથે ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ફાયરિંગ ચાલુ કર્યું હતું. આ ઘટના અંગે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને જાણ કરાઈ હતી. હોમલેન્ડ સિક્યુરિટી સેક્રેટરી ક્રિસ્ટી નોએમે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી સ્થાનિક અધિકારીઓ સાથે સંપર્કમાં છે.

આ ગોળીબારની એક ચોંકાવનારી વાત એ છે કે હુમલાખોરે પોતાની બંદૂકો પર ‘ડોનાલ્ડ ટ્રમ્પને મારી નાખો’ અને ‘ભારત પર પરમાણુ બોમ્બ ફેંકો’ જેવા શબ્દો લખ્યા હતા. આ હથિયારો તેના યુટ્યુબ ચેનલના એક વીડિયોમાં જોવા મળ્યા હતા, જે હવે ડીલીટ કરી દેવામાં આવી છે.

LEAVE A REPLY