હોવમાં આવેલા £800,000ના મૂલ્યના બીજા ફ્લેટ પર આશરે £40,000ની સ્ટેમ્પ ડ્યુટી ઓછી ચૂકવી હોવાનું બહાર આવ્યા પછી ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર એન્જેલા રેનરે નાયબ વડા પ્રધાન અને હાઉસિંગ સેક્રેટરી તરીકે રાજીનામું આપ્યું છે. તેમણે ડેપ્યુટી લેબર લીડર તરીકે પણ રાજીનામું આપ્યું છે.
વેસ્ટમિન્સ્ટરમાં નાટકીય ઘટનાક્રમ બાદ વડા પ્રધાન સર કેર સ્ટાર્મરે તેમની ટોચની ટીમમાં ફેરબદલ કર્યો છે. સર કેર સ્ટાર્મરે અનુભવી સાંસદ ડેવિડ લેમીની વરણી નાયબ વડા પ્રધાન અને જસ્ટીસ સેક્રેટરી તરીકે કરી છે. જ્યારે હોમ સેક્રેટરી હ્વવેટ કૂપરને ફોરેન સેક્રેટરીનું પદ સોંપાયું હતું. કૂપરના સ્થાને જસ્ટીસ સેક્રેટરીનું પદ સંભાળી ચૂકેલા શબાના મહમૂદને હોમ સેક્રેટરીનું પદ સોંપવામાં આવ્યું છે. રેચલ રીવ્સે ચાન્સેલરનું પદ જાળવી રાખ્યું છે.
હાઉસ ઓફ કોમન્સના નેતા લ્યુસી પોવેલ અને સ્કોટલેન્ડના સ્ટેટ સેક્રેટરી ઇયાન મરેએ ફેરફાર વચ્ચે કેબિનેટ છોડી દીધી છે.
વડા પ્રધાનના નૈતિક સલાહકાર સર લૌરી મેગ્નસે કહ્યું હતું કે ‘’રેનરે પ્રામાણિકતા સાથે કામ કર્યું હતું પરંતુ તેમણે મિનિસ્ટરીયલ કોડ ઓફ કંડક્ટનો ભંગ કર્યો છે. મિલકત ખરીદતી વખતે તેમણે કાનૂની સલાહ લીધી હતી, પરંતુ ભલામણ મુજબ વધુ નિષ્ણાત ટેક્સ એડવાઇઝ લેવામાં તેઓ નિષ્ફળ ગયા હતા.
વડા પ્રધાનને લખેલા પત્રમાં રેનરે કહ્યું હતું કે ‘’હું સ્વીકારૂ છું કે મિલકત ખરીદતી વખતે ઉચ્ચતમ ધોરણોને પૂર્ણ કર્યા નથી. હાઉસિંગ સેક્રેટરી તરીકેના મારા પદ અને મારી જટિલ કૌટુંબિક વ્યવસ્થા બંનેને ધ્યાનમાં રાખીને વધારાની નિષ્ણાત કર સલાહ ન લેવાના મારા નિર્ણય બદલ મને ખૂબ જ દુઃખ છે. આ ભૂલ માટે સંપૂર્ણ જવાબદારી લઉ છું. યોગ્ય રકમ ચૂકવવા સિવાય બીજું કંઈ કરવાનો મારો ક્યારેય ઇરાદો નહોતો.”
રેનરને લખેલા પત્રમાં, સર કેરે કહ્યું હતું કે “હું માનું છું કે તમે સાચા નિર્ણય પર પહોંચ્યા છો, જે તમારા માટે ખૂબ જ પીડાદાયક છે. તમે લેબર સરકારને સફળ બનાવવા માટે તમારું સર્વસ્વ આપ્યું છે અને બ્રિટનને કામ કરતા પરિવારો માટે ન્યાયી બનાવવાની અમારી યોજનાનો તમે મુખ્ય ભાગ રહ્યા છો. વ્યક્તિગત રીતે, મને સરકારમાંથી તમને ગુમાવવાનું ખૂબ જ દુઃખ છે. તમે ઘણા વર્ષોથી એક વિશ્વસનીય સાથીદાર અને સાચા મિત્ર છો. મને તમારા માટે પ્રશંસા અને રાજકારણમાં તમારી સિદ્ધિ માટે ખૂબ આદર છે.”
કન્ઝર્વેટીવ નેતા કેમી બેડેનોકે કહ્યું હતું કે “એન્જેલા રેનર આખરે ગયા. પરંતુ કેર સ્ટાર્મરની નબળાઈને કારણે તેમને ત્રણ દિવસ પહેલા બરતરફ કરવામાં આવ્યા ન હતા.”
રેનર દસ વર્ષ પહેલાં ગ્રેટર માન્ચેસ્ટરના આશ્ટન-અંડર-લાઇન મતવિસ્તારમાંથી પ્રથમ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 2015થી લેબર ફ્રન્ટબેન્ચ પર હતા અને જુલાઈ 2024માં લેબર પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં જીત મેળવતા તેમણે ડેપ્યુટી પીએમનો હોદ્દો સંભાળ્યો હતો.
નવનિયુક્ત મંત્રીઓની યાદી
- ડેવિડ લેમી, એમપી, લોર્ડ ચાન્સેલર અને સેક્રેટરી ઓફ સ્ટેટ તથા નાયબ વડા પ્રધાન.
- ડેરેન જોન્સ, એમપી, ડચી ઓફ લેન્કેસ્ટરના ચાન્સેલર અને ચિફ સેક્રેટરી.
- હ્વવેટ કૂપર, એમપી, ફોરેન, કોમનવેલ્થ અને ડેવલપમેન્ટ સેક્રેટરી.
- શબાના મહમૂદ, એમપી, હોમ સેક્રેટરી.
- સ્ટીવ રીડ, ઓબીઇ, એમપી, સેક્રેટરી ઑફ સ્ટેટ ફોર હાઉસિંગસ કોમ્યુનીટીઝ એન્ડ લોકલ ગવર્નમેન્ટ.
- પેટ મેકફેડન, એમપી, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર વર્ક એન્ડ પેન્શન.
- પીટર કાયલ, એમપી, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર બિઝનેસ એન્ડ ટ્રેડ અને પ્રેસિડેન્ટ ઓફ ધ બોર્ડ ઓફ ટ્રેડ.
- લિઝ કેન્ડલ, એમપી, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સાયન્સ, ઇનોવેશન એન્ડ ટેકોનોલોજી.
- એમા રેનોલ્ડ્સ, એમપી, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એન્વાયર્નમેન્ટ, ફૂડ એન્ડ રૂરલ અફેર્સ.
- ડગ્લાસ એલેક્ઝાન્ડર, એમપી, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર સ્કોટલેન્ડ.
- જોનાથન રેનોલ્ડ્સ, એમપી, પાર્લામેન્ટરી સેક્રેટરી ટૂ ધ ટ્રેઝરી (ચિફ વ્હીપ).
- સર એલન કેમ્પબેલ, એમપી, લોર્ડ પ્રેસિડેન્ટ ઓફ ધ કાઉન્સિલ અને હાઉસ ઓફ કોમન્સના નેતા. તેઓ કેબિનેટમાં હાજરી આપશે
એન્જેલા રેનર, સાંસદ, લ્યુસી પોવેલ, સાંસદ અને ઇયાન મરે, સાંસદ સરકાર છોડી ચૂક્યા છે.
