યુકે પોલીસે વિશ્વભરની યાત્રાએ નીકળેલા મુંબઈના એક બાઇકર યોગેશ અલેકારીની નોટિંગહામમાંથી ચોરાયેલી KTM 390 એડવેન્ચર મોટરબાઈક પાછી મેળવવામાં મદદ કરવા માટે તાત્કાલિક અપીલ શરૂ કરી છે.
અલેકારીએ બાઇકને પોતાનું ઘર ગણાવ્યું હતું. તેઓ ગયા અઠવાડિયે નાસ્તો કરવા માટે વોલાટન હોલમાં રોકાયા હતા ત્યારે તેની ચોરી કરવામાં આવી હતી.
સંપૂર્ણ લોડેડ બાઇકમાં પાસપોર્ટ, લેપટોપ અને કેમેરા સહિતનો તેમનો તમામ અંગત સામાન હતો. અલેકારી 16 દેશોમાં 24,000 કિમીથી વધુ મુસાફરી કરી ચૂક્યા હતા. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં ચાર ચોર બાઇક ચોરી કરવા માટે ભારે તાળાઓ તોડતા જોવા મળે છે.
પોલીસ કોન્સ્ટેબલ એન્ડી સ્મિથે માહિતી ધરાવતી કોઈપણ વ્યક્તિને આગળ આવવા વિનંતી કરી છે અને આ અંગે પૂછપરછ ચાલુ છે. સાર્જન્ટ ડેનિયલ શીસ્બીએ પુષ્ટિ આપી કે તપાસને ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
33 વર્ષીય અલેકારીને તાજેતરમાં લંડનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. મિશન લાઇફ ઝુંબેશના ભાગ રૂપે, તેમનો વિશ્વ પ્રવાસ, મુંબઈ પાછા ફરતા પહેલા આફ્રિકા તરફ ચાલુ રાખવાનો હતો.
