અમેરિકાની વૈશ્વિક જોહુકમી સામે ભારત-રશિયા અને ચીનની નવી ધરી બનવાના સબળ સંકેત જોયા પછી ટ્રમ્પના પેટમાં તેલ રેડાવાનું સ્વાભાવિક છે. આર્થિક, રાજકીય અને સંરક્ષણ ક્ષેત્રે આ નવી ધરી ‘જગત જમાદાર’ના એક હથ્થુ શાસન માટે પડકાર બનવાની શક્યતાઓ ઊભી થઈ છે ત્યારે હવે ટ્રમ્પને પણ આત્મજ્ઞાન લાદ્યું હોય તેમ જણાય છે. ટ્રમ્પે કહ્યુ હતું કે, ચીનની ખંધાઈના કારણે અમેરિકાએ રશિયા અને ભારત ગુમાવી દીધા છે.
અમેરિકા અને ભારતના સંબંધો છેલ્લા બે દાયકાના સૌથી વધુ ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે. અમેરિકાએ 50 ટકા ટેરિફ ઝીંક્યા પછી ચીન ખાતે શાંઘાઈ કોર્પોરેશન સમિટ (SCO) દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ચીનના પ્રમુખ જીનપિંગ અને રશિયાના પ્રમુખ વ્લાદિમિર પુતિને વચ્ચે નિકટતા જોવા મળી હતી. સમગ્ર વિશ્વમાં આ ત્રણ દેશોનો ‘ભાઈચારો’ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે ત્યારે ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર જણાવ્યું હતું કે, સૌથી વધુ ઊંડા અને સૌથી વધુ અંધારિયા ચીન સામે અમે (અમેરિકાએ) ભારત અને રશિયાને ગુમાવ્યા હોય તેમ લાગે છે. તેઓનું સહિયારુ ભવિષ્ય લાંબુ ટકે અને સમૃદ્ધ રહે.
રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી બંધ કરવા ભારત પર દબાણ વધારવા ટ્રમ્પે 50 ટકા ટેરિફની ચીમકી આપી હતી. ભારત ટસનું મસ નહીં થતાં 27 ઓગસ્ટથી નવા ટેરિફનો અમલ શરૂ થઈ ગયો છે. ભારતે અમેરિકાના આ પગલાને અન્યાયી, અયોગ્ય અને અતાર્કિક ગણાવીને વખોડી કાઢ્યું છે. રશિયા પાસેથી સૌથી વધુ ક્રૂડની ખરીદી ચીન દ્વારા કરવામાં આવે છે, પરંતુ ટ્રમ્પ આ બાબતે ચૂપ રહ્યા છે.
ભારતને નમાવવાની મુરાદ બર નહીં આવતા ટ્રમ્પે પોતાના ખાસ સલાહકાર પીટર નવારોને મેદાને ઉતાર્યા છે અને તેમણે ભારત સામે ઝેર ઓકવામાં ભાષા વિવેક પણ ગુમાવી રહ્યા છે. ક્રૂડ ઓઈલના વૈશ્વિક વેપારમાં ભારતની ભૂમિકા પ્રત્યે અણગમો વ્યક્ત કરતી વખતે તેમણે ભારતની દુઃખતી નસ દબાવવા પ્રયાસ કર્યો હોય તેમ જાતિવાદી ટિપ્પણી કરી હતી. ચીન ખાતે SCO સમિટ દરમિયાન સોમવારે સભ્ય રાષ્ટ્રોએ સંરક્ષણ અને આર્થિક મોરચે ગાઢ સંબંધોની ખાતરી આપી હતી. તેમાં મોદી, પુતિન અને જિનપિંગ વચ્ચેના સૌહાર્દની જાહેરમાં અભિવ્યક્તિએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.
હાથમાં હાથ પરોવીને જિનપિંગ તરફ જઈ રહેલા મોદી અને પુતિનનો વીડિયો ખૂબ વાઈરલ થયો છે અને તેના અર્થઘટનો પણ ચાલી રહ્યા છે. જિનપિંગે પોતાના સંબોધન દરમિયાન ગ્લોબલ સાઉથની પ્રાથમિકતાને ધ્યાને રાખીને નવી વિશ્વવ્યવસ્થા અને વૈશ્વિક સલામતી સ્થાપિત કરવાનું વિઝન રજૂ કર્યું હતું. બુધવારે બેઈજિંગ ખાતે વિક્ટરી ડે પરેડમાં ચીને વિશ્વના અનેક નેતાઓને આમંત્રિત કર્યા હતા.
આ પ્રસંગે પુતિન અને નોર્થ કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનની હાજરી ટ્રમ્પને ખૂંચી છે અને ચીન અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યું હોવાનો દાવો ટ્રમ્પે કર્યો છે. ટ્રમ્પે પુતિન અને કિમ જોંગ ઉનને ટોણો મારતાં ‘ઉષ્માસભર અભિવાદન’ પાઠવ્યા છે. SCO સમિટની ઘેરી અસર ટ્રમ્પના માનસ પર પડી હોય તેમ જણાય છે. જેના કારણે તેમણે ફરી એક વાર સોશિયલ મીડિયા પર બળાપો કાઢ્યો છે અને ચીન, ભારત, રશિયાને ટોણો મારવાની સાથે ગર્ભિત ધમકી પણ ઉચ્ચારી છે. ટ્રમ્પે નહીં કહેલા શબ્દોને સમજીએ તો, ભારત-ચીન અને રશિયાનો ભાઈચારો કેટલું લાંબું ચાલે છે, તે જોઈ લેવાનો ટંકાર ટ્રમ્પે કર્યો છે.
