ન્યૂ યોર્કના ભૂતપૂર્વ ગવર્નર એન્ડ્રુ કુઓમોએ પોતાના ન્યુયોર્કના મેયર પદના અભિયાનના ભાગ રૂપે તા. 24 ઓગસ્ટના રોજ ફ્લેશિંગમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી અને ભગવાન નિલકંઠવર્ણીનો અભિષેક કરી ભારતીય સમુદાયને મળ્યા હતા. તેમણે પરંપરાગત ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો હતો.

કુઓમોનું મંદિરના સંતો અને ડૉ. વિપુલ પટેલ મંદિરના એક્સટર્નલ એફેર્સ કો-ઓર્ડીનેટર સહિત સમુદાયના નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ શાંતિ પાઠના મંત્રોચ્ચારમાં જોડાયા હતા અને અભિષેક કર્યો હતો. તેમને સંતો તરફથી ન્યૂ જર્સીમાં અક્ષરધામની 3-D તસવીર અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે 2,000થી વધુ લોકોના મેળાવડાને સંબોધતા, કુઓમોએ જાહેર સેવામાં તેમના લાંબા અનુભવ પર ભાર મૂકી ગવર્નર તરીકેના તેમના કાર્યકાળની સીમાચિહ્નરૂપ નીતિઓને યાદ કરી હતી, જેમાં સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવા, ગન કંટ્રોલ લાગુ કરવા, લઘુત્તમ વેતન વધારવા, મેડિકેડનો વિસ્તાર કરવા અને પેઇડ ફેમિલી લીવ લાગુ કરવાનો સમાવેશ થાય છે. તેમણે લાગાર્ડિયા એરપોર્ટના પુનર્નિર્માણ, સેકન્ડ એવન્યુ સબવે, મોયનિહાન ટ્રેન હોલ અને નવા ટપ્પન ઝી બ્રિજ જેવા મુખ્ય માળખાગત પ્રોજેક્ટ્સ પર પણ પ્રકાશ પાડ્યો હતો.

મેયર પદના પોતાના વિઝનને આગળ ધપાવતા, કુઓમોએ સબવે સિસ્ટમમાં યુનિફોર્મ પહેરેલા પોલીસ અઘિકારીઓની હાજરી વધારવા, સસ્તા આવાસનો વિસ્તાર કરવા, આર્થિક વિકાસને વેગ આપવા અને માનસિક સ્વાસ્થ્ય અને બેઘર લોકોની સમસ્યાનો સામનો કરવા સાથે જાહેર સલામતીને મજબૂત બનાવવા માટેની પ્રાથમિકતાઓ દર્શાવી હતી. તેમણે ભાર મૂક્યો હતો કે ન્યૂ યોર્કની વિવિધતા તેની સૌથી મોટી તાકાત છે અને શહેરના માળખામાં દરેક સમુદાય અને ધાર્મિક પરંપરાનું સ્થાન જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનું વચન આપ્યું હતું.

કુઓમોની સાથે તેમના રાજકીય સાથીઓ અને સમુદાયના નેતાઓ ઇસ્માઇલ માલવે-પેરેઝ, ડૉ. દિલીપ નાથ, ડૉ. નીતા જૈન, માર્થા ફ્લોરેસ વાસ્ક્વેઝ, વિષ્ણુ રાણા મગર સહિત અમેરિકન બેંગોલી હિન્દુ ફાઉન્ડેશન, NATH મિશન યુએસએ અને ઇસ્કોન સહિતના જૂથોના પ્રતિનિધિઓ અને સ્થાનિક સંસ્થાઓના અગ્રમીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X પર પાછળથી પોસ્ટ કરતા, કુઓમોએ હિન્દુ સમુદાયને “ન્યૂ યોર્કના મોઝેકનો આવશ્યક આધારસ્તંભ” ગણાવ્યો હતો અને BAPS ખાતે ઉષ્માભર્યા સ્વાગત માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. તેમણે નોંધ્યું કે ભારતીય સમુદાયે હંમેશા તેમની પહેલને ટેકો આપ્યો છે અને કહ્યું કે તેઓ તેમના અભિયાનમાં તેમની સતત ભાગીદારીની રાહ જુએ છે.

(Photo courtesy: Andrew Cuomo)

LEAVE A REPLY