ભારતના પડોશી દેશ નેપાળ પછી ફ્રાન્સમાં પણ સરકારની નીતિઓ સામે બુધવારે જનાક્રોશ ભભૂકી ઉઠ્યો હતો. પ્રેસિડન્ટ ઈમેન્યુઅલ મેક્રોન સરકારની નીતિઓનો વિરોધ કરવા માટે પેરિસ અને બીજા શહેરોમાં લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા અને તોડફોડ તથા આગચંપી કરી હતી. પોલીસે 200થી વધુ દેખાવકારોની ધરપકડ કરી હતી.
આ દેખાવોની શરૂઆત સોશિયલ મીડિયા પર ‘Block Everything’ હાકલથી થઈ હતી. લોકો રસ્તા પર સંગઠિત થઈને ઉતર્યા હતા. દેખાવકારોએ પેરિસ સહિતના અનેક સ્થળે ટ્રાફિક જામ કરી દીધો હતો. આ દરમિયાન અનેક સ્થળે દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી.
દેખાવકારોનું કહેવું છે કે, આ સરકારે સામાન્ય લોકોનું જીવન સ્તર સુધારવા કોઈ જ કામ કર્યું નથી અને સરકારનું નાણાકીય સંચાલિત પણ અત્યંત ખરાબ છે.
હજારોની સંખ્યામાં પોલીસકર્મીઓ દેખાવકારોને રોકવાના પ્રયાસો કરી રહ્યા હતા પરંતુ તેમના પર કાબૂ મેળવી શકાયો નહોતો. દેખાવકારોએ સમગ્ર ફ્રાંસમાં દેખાવો શરૂ કરી દીધા હતાં અને ટ્રાફિક જામ કરી દીધો હતો. આ દરમિયાન કચરાના ડબા પણ સળગાવી દેવામાં આવ્યા હતા. ઠેર ઠેર પોલીસ સાથે દેખાવકારોની અથડામણ થતી જોવા મળી હતી.
