વિશ્વના 29 દેશોની સરકારોમાં કુલ મળીને 261 જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય સમુદાયના છે. મોરેશિયસમાં સૌથી વધુ 45 ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય સમુદાયના છે. ગુયાના 33 ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બીજા ક્રમે અને બ્રિટન (31) ત્રીજા તથા ફ્રાન્સ (24) ચોથા ક્રમે છે.
ભારતના વિદેશ મંત્રાલયે રાજ્યસભાના સાંસદ સતનામસિંઘ સંધુના પ્રશ્નના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે ભારતીય સમુદાયના લોકો વિશ્વભરના દેશોમાં રાજકારણ, જાહેર વહિવટ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં અગ્રણી હોદ્દા પર છે. તેનાથી ભારતના હિતો અને વૈશ્વિક મંચો પર તેની સ્થિતિને પ્રોત્સાહન મળે છે, ભારત અને ભારતીય ડાયસ્પોરાના આવા નેતાઓના સંબંધિત દેશો બંનેને ફાયદો થયો છે. આ બધાની ભારતમાં દ્વિપક્ષી વેપાર અને રોકાણ પ્રવાહ પર પણ હકારાત્મક સામૂહિક અસર પડે છે, જે વર્ષોથી સતત વધી રહ્યા છે.
કેનેડામાં પણ હાઉસ ઓફ કોમન્સમાં ભારતીય સમુદાયના રેકોર્ડ 22 રાજકારણીઓ છે. સુરીનામમાં 21, ટ્રિનિડાડ એન્ડ ટોબેગોમાં 18, મલેશિયા અને ફીજીમાં 17-17 અને અમેરિકામાં 6 ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભારતીય સમુદાયના છે. ભારતીય સમુદાયના લોકો (PIO)ની સૌથી વધુ સંખ્યા મલેશિયા, કેનેડા, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, મોરેશિયસ, શ્રીલંકા, બ્રિટન અને ટ્રિનિડાડ એન્ડ ટોબેગોમાં છે જ્યારે જર્મની, સિંગાપોર અને નેપાળમાં બિનનિવાસી ભારતીયો (NRI) વધુ છે.
ભારતીયો દુનિયાભરમાં વસેલા છે. વિશ્વના 204 દેશોમાં કુલ 3.43 કરોડ ભારતીયો વસે છે. માત્ર ત્રણ દેશો-ક્યૂબા, પાકિસ્તાન અને સાન મારિનોમાં જ એકપણ PIO કે NRI નથી. ભારત સરકારના જણાવ્યાનુસાર જાન્યુઆરી, 2025ની સ્થિતિએ વિદેશોમાં કુલ 1,71,071 POI અને 1,75,122 NRI વસે છે. અમેરિકામાં 56.93 લાખ લોકોનો સૌથી મોટો ભારતીય સમુદાય છે, જેમાં 37.75 લાખ POI અને 19.18 લાખ NRI સામેલ છે. ત્યાર પછીના ક્રમે યુએઇમાં 38.90 લાખ, કેનેડામાં 36.11 લાખ, મલેશિયામાં 29.35 લાખ, સાઉદી અરેબિયામાં 27.47 લાખ, શ્રીલંકામાં 16.07 લાખ, દક્ષિણ આફ્રિકામાં 13.92 લાખ, બ્રિટનમાં 13.33 લાખ અને ઓસ્ટ્રેલિયામાં 9.76 લાખ ભારતીયો વસે છે.
