સેન્ટ્રલ લંડનમાં શનિવારે કટ્ટર જમણેરી કાર્યકર્તા ટોમી રોબિન્સનની ઇમિગ્રેશન વિરોધી રેલીમાં 1.10 લાખથી વધુ લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. દેખાવકારોના એક એક નાના જૂથ અને પોલીસ અધિકારીઓ સાથે અથડામણ પણ થઈ હતી. આ અથડામણમાં ઓછામાં ઓછા 26 પોલીસ અધિકારીઓ ઘાયલ થયાં હતાં અને 25 દેખાવકારોને ધરપકડ કરાઈ હતી. આની સામે સ્ટેન્ડ અપ ટુ રેસિઝમે “માર્ચ અગેઇન્સ્ટ ફાશીવાદ” રેલી પણ યોજી હતી. બંને જૂથો સામસામે ન આવે તે માટે મેટ્રોપોલિટન પોલીસે ઘણી વખત હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે “યુનાઇટ ધ કિંગડમ” રેલી દરમિયાન દેખાવકારોએ ઘણા પોલીસ અધિકારીઓને મુક્કા માર્યા હતાં, લાતો મારી હતી અને બોટલો ફેંકી હતી. ફરજ પરના 1,000થી વધુ અધિકારીઓની સમર્થન આપવા માટે વધુના સુરક્ષા જવાનો તૈનાત કરાયા હતાં.
આ અથડામણમાં 26 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતાં. તેમાંથી ચાર ગંભીર રીતે ઘાયલ થયા હતા. હિંસક અવ્યવસ્થા, હુમલા અને ગુનાહિત નુકસાન સહિતના ગુનાઓ માટે ઓછામાં ઓછા 25 લોકોની ધરપકડ કરાઈ હતી.
આસિસ્ટન્ટ કમિશનર મેટ ટ્વિસ્ટે જણાવ્યું હતું કે એમાં કોઈ શંકા નથી કે ઘણા લોકો વિરોધ કરવાના તેમના કાયદેસરના અધિકારનો ઉપયોગ કરવા આવ્યા હતાં, પરંતુ ઘણા એવા હતાં જેઓ હિંસાના ઇરાદાથી આવ્યા હતા. તેઓએ અધિકારીઓ સાથે સંઘર્ષ કર્યો હતો. શારીરિક અને મૌખિક દુર્વ્યવહાર કર્યો હતો અને દરેકને સુરક્ષિત રાખવા માટેની ઘેરાબંધી તોડવાનો પ્રયાસ કર્યો હતો.
રેલીમાં અંદાજે ૧,૧૦,૦૦૦થી ૧,૫૦,૦૦૦ લોકો એકઠા થયા હતાં, જે પોલીસની અપેક્ષાઓ કરતાં ઘણા વધારે હતાં. આની સામે સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ દ્વારા આયોજિત હરીફ રેલી “માર્ચ અગેઇન્સ્ટ ફાશીવાદ”માં લગભગ ૫,૦૦૦ લોકો હાજર રહ્યા હતાં.બંને જૂથો સામસામે ન આવે તે માટે મેટ્રોપોલિટન પોલીસે ઘણી વખત હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.
દેખાવકારોએ બ્રિટનનો યુનિયન ફ્લેગ તથા ઇંગ્લેન્ડનો લાલ અને સફેદ સેન્ટ જ્યોર્જ ક્રોસ લઈને આવ્યા હતાં. કેટલાંક લોકોના હાથમાં અમેરિકન અને ઇઝરાયલી ધ્વજ હતા અને “મેક અમેરિકા ગ્રેટ અગેઇન” અથવા યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની MAGA ટોપીઓ પહેરી હતી. તેઓએ વડા પ્રધાન કીર સ્ટાર્મરની ટીકા કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા અને “તેમને ઘરે મોકલો” જેવા પ્લેકાર્ડ પણ સાથે રાખ્યા હતા. કેટલાક દેખાવકારો બાળકોને પણ લઈને આવ્યા હતાં.
રોબિન્સને સમર્થકોને સંબોધનમાં કહ્યું હતું કે આ ગ્રેટ બ્રિટનમાં સાંસ્કૃતિક ક્રાંતિની ચિનગારી છે, આ આપણી ક્ષણ છે, તેમણે આ રેલીને દેશભક્તિનો જુવાળ ગણાવ્યો હતો.
