(Photo by DAN KITWOODNICHOLAS KAMM/POOL/AFP/AFP via Getty Images)

યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે માટે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવા તથા ચીન પર 50થી 100 ટકા ટેરિફ લાદવાની અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે નાટો દેશોને હાકલ કરી હતી. જો તમામ નાટો દેશો આ અંગે સંમત થાય તો તેઓ રશિયા પર મોટા પ્રતિબંધો લાદવા તૈયાર હોવાની પણ ટ્રમ્પે જાહેરાત કરી હતી. અગાઉ અમેરિકાએ જી-સેવન દેશોને પણ રશિયન ઓઇલ ખરીદતા દેશો પર ટેરિફ લાદવાની ભલામણ કરી હતી.

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં જણાવ્યુ હતું કે તમામ નાટો દેશો સંમત થાય અને મોસ્કો પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરે ત્યારે તેઓ રશિયા પર મોટા પ્રતિબંધો લાદવા તૈયાર છે. નાટોની જીત માટેની પ્રતિબદ્ધતા 100% કરતા ઘણી ઓછી રહી છે અને કેટલાક દેશો દ્વારા રશિયન તેલની ખરીદી આઘાતજનક છે. આનાથી રશિયા સામે વાટાઘાટોની સ્થિતિ અને સોદાબાજી કરવાની શક્તિને ખૂબ જ નબળી પડે છે. નાટો દેશો સંમત થાય ત્યારે તેઓ આગળ વધવા માટે તૈયાર છે.

અમેરિકી પ્રમુખે જણાવ્યું હતું કે ચીન પર 50 ટકાથી 100 ટકા સુધીની ટેરિફથી યુક્રેનમાં ઘાતક, પરંતુ હાસ્યાસ્પદ યુદ્ધને સમાપ્ત કરવામાં મદદ મળશે. ચીનનું રશિયા પર મજબૂત નિયંત્રણ છે, અને તેની પકડ પણ છે, પરંતુ પાવરફૂલ ટેરિફથી આ પકડ તૂટી જશે.

ટ્રમ્પે કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ તેમનો સંઘર્ષ નથી અને જો તેઓ પ્રેસિડન્ટ હોત તો આ યુદ્ધ ક્યારેય શરૂ થયું ન હોત. આ બાઇડન અને ઝેલેન્સ્કીનું યુદ્ધ છે. હું ફક્ત તેને રોકવામાં મદદ કરવા તથા હજારો રશિયન અને યુક્રેનિયન લોકોના જીવ બચાવવા માટે અહીં છું. જો નાટો મારા કહેવા મુજબ કરશે, તો યુદ્ધ ઝડપથી સમાપ્ત થઈ જશે અને તમામ જીવ બચી જશે. જો મારા કહેવા મુજબ ન કરવું હોય તો તમે ફક્ત મારો સમય તથા અમેરિકાનો સમય, શક્તિ અને પૈસા બગાડી રહ્યા છો.

અમેરિકાએ ચીનથી થતી આયાત પર 30 ટકાનો વધારાનો ટેક્સ લાદ્યો છે, જ્યારે બેઇજિંગે વોશિંગ્ટનથી થતી આયાત પર 10 ટકા ટેક્સ લાદ્યો છે. એક સમયે ટ્રમ્પે ચીન પર ટેરિફ વધારીને 145 ટકા કરી હતી અને ચીને પણ વળતા પગલાં લીધા હતાં. જોકે મે મહિનામાં બંને દેશો ટેરિફ વોરનો અંત લાવવા સંમત થયાં હતાં.

અગાઉ શુક્રવારે અમેરિકાના નાણાપ્રધાન સ્કોટ બેસેન્ટ અને અમેરિકાના ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ​​એમ્બેસેડર જેમીસન ગ્રીર G7 દેશોના નાણામંત્રીઓ સાથે ફોન પર વાતચીત કરી હતી તથા રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર ટેરિફ લાદવા અંગે જી-સેવન દેશોને હાકલ કરી હતી.

 

LEAVE A REPLY