ઉત્તરાખંડના દહેરાદૂન શહેરમાં ભારે વરસાદ વચ્ચે સોમવારની રાત્રે વાદળ ફાટવાથી ભારે તબાહી મચી હતી. વાદળ ફાટવાથી તપોવનમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા હતા તથા સહસ્ત્રધારા અને આઈટી પાર્ક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. રાજ્યમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હોવાના પણ અહેવાલ મળ્યાં હતાં. મસૂરી-દહેરાદૂન રસ્તામાં અનેક જગ્યાએ ભૂસ્ખલન થયું હતું. આસન નદીમાં ટ્રેક્ટર ટ્રોલી વહી જતાં 13 લોકો ગુમ થયા હતાં. જેમાં પાંચના મૃતદેહ મળી આવ્યા હતાં.
દેહરાદૂન અને તેની નજીકના વિસ્તારોમાં સોમવારથી થઈ રહેલા મૂશળધાર વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. રાજ્યના મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ દુર્ઘટનાગ્રસ્ત વિસ્તારો અને પૂરપીડિતોને સંભવિત તમામ મદદ કરવા આશ્વાસન આપ્યું હતું. માલદેવતા ક્ષેત્રમાં નદીમાં પૂર આવતાં રસ્તાઓ, પુલ જળમગ્ન બન્યા હતાં. રિસ્પના અને બિંદાલ નદીનું જળસ્તર વધતાં નીચાણવાળા વિસ્તારો ડૂબ્યા હતા, ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, અનેક દુકાનો અને હોટલ પાણીમાં નદીના પ્રવાહમાં વહી ગયા હતાં.
દેહરાદૂન-પાંવટા નેશનલ હાઈવે પર પ્રેમનગર નંદા પોલીસ સ્ટેશન નજીક બ્રિજ પાણીમાં તણાઈ જતાં પરિવહન સેવા ખોરવાઈ હતી. . કાલસી ચકરાતા મોટર માર્ગ પર જજ રેટ પહાડ પર ભૂસ્ખલન થતાં સ્કૂટી સવાર યુવકનું મોત નીપજ્યું હતું. મસૂરીના ઝડીપાનીથી રાજપુર જતાં પગદંડી નજીક પણ ભૂસ્ખલન થતાં બે લોકો કાટમાળ નીચે દબાયા હતા. જેમાં એકનું મોત થયુ હતું. ઠેરઠેર કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યપ્રધાન ધામી સાથે ફોન પર વાતચીત કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો તથા કેન્દ્ર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતા. મોદીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર આપત્તિની આ ઘડીમાં ઉત્તરાખંડની સાથે મજબૂતીથી ઉભી છે.
ગૃહપ્રધાન અમિત શાહે ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે મુખ્યપ્રધાન સાથે ટેલિફોનિક ચર્ચા પણ કરી હતી. તેમણે ગૃહ મંત્રાલય તરફથી દરેક શક્ય સહાયની ખાતરી આપી હતી અને ભાર મૂક્યો હતો કે કેન્દ્ર દ્વારા રાહત અને બચાવ પ્રયાસોને સંપૂર્ણ સમર્થન આપવામાં આવશે.
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે ફરી એકવાર કહેર વર્તાવ્યો છે. 15 સપ્ટેમ્બરના રોજ મંડીના ધરમપુરમાં વાદળ ફાટવાને કારણે બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું અને શિમલામાં ભૂસ્ખલનથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ વરસાદ હવે માત્ર હવામાનનો ફેરફાર નહીં, પરંતુ લોકો માટે એક મોટી મુસીબત બની ગયો છે, જેના કારણે ચારેબાજુ પાણી, કાટમાળ અને વિનાશ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ હિમાચલપ્રદેશના ધરમપુરમાં ભારે વરસાદથી આખું બસ સ્ટેન્ડ પાણીમાં ડૂબી ગયું હતું. જેમાં બસો અને અન્ય વાહનો તણાઈ ગયા હતાં. સોન ખડનું જળસ્તર વધતા લોકોના ઘરો અને દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયું. પરિસ્થિતિ એટલી ગંભીર હતી કે લોકોએ રાત્રે ઘરની છત પર ચઢીને પોતાનો જીવ બચાવ્યો અને પોલીસે તત્કાળ બચાવ કામગીરી શરૂ કરી હતી.
હવામાન વિભાગ મુજબ, કાંગડા, જોત, સુંદરનગર અને પાલમપુરમાં ગાજવીજ સાથે વરસાદ થયો હતો, જ્યારે રિકાંગપિયો અને સેઓબાગમાં તેજ પવન ફૂંકાયો. રાજ્ય કટોકટી સંચાલન કેન્દ્ર (SEOC) અનુસાર, આ ઘટનાને કારણે 493 રસ્તાઓ, જેમાં ત્રણ મુખ્ય રાષ્ટ્રીય ધોરીમાર્ગોનો સમાવેશ થાય છે, વાહનવ્યવહાર માટે બંધ રહ્યા. આ ઉપરાંત, 352 વીજળી ટ્રાન્સફોર્મર અને 163 જળ-પુરવઠા યોજનાઓ પણ ખોરવાઈ ગઈ છે.
