લશ્કરી ગણવેશ અને બંદૂકોથી સજ્જ ત્રણ માસ્કધારી 3 લૂંટારાઓ મંગળવારે સાંજે કર્ણાટકના ચડાચન શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખામાં ઘૂસી ગયા હતા અને 20 કરોડ રૂપિયાના સોનાના દાગીના અને 1 કરોડ રૂપિયા રોકડા લૂંટી લીધાં હતાં.
હત્યાની ધમકી આપીને લૂંટારુઓએ બેંક સ્ટાફ પર કાબુ મેળવ્યો, મેનેજર અને અન્ય કર્મચારીઓને બાંધી દીધા હતા અને પછી તેમને શૌચાલયમાં બંધ કરી દીધા હતાં. તેમણે સ્ટાફ અને ગ્રાહકોના હાથ-પગ પ્લાસ્ટિકની થેલીઓથી બાંધી દીધા જેથી તેઓ આગળ વધી ન શકે.ત્યારબાદ તેઓએ શાખા મેનેજરને રોકડ તિજોરી ખોલવાનું કહ્યું, પછી સ્ટાફને સોનાનું લોકર ખોલવાની ફરજ પાડી હતી. આ પછી લૂંટારુઓએ પોતાની બેગમાં રોકડ રકમ અને ગ્રાહકોના સોનાના દાગીના ભરીને ભાગી ગયા હતાં.
ઘટના બાદ, ચડાચન પોલીસ સ્ટેશનના પોલીસ અધિક્ષક લક્ષ્મણ નિમ્બર્ગી, વરિષ્ઠ અધિકારીઓ સાથે ઘટનાસ્થળે દોડી ગયાં હતાં. પ્રાથમિક તપાસ મુજબ, લૂંટ કરવા માટે આ ટોળકીએ નકલી નંબર પ્લેટવાળી વાનનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ તેઓ પડોશી મહારાષ્ટ્રના પંઢરપુર તરફ ભાગી ગયા હતા. સોલાપુર જિલ્લામાં પ્રવેશ્યા પછી, તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા, જેના કારણે સ્થાનિકો સાથે ઝઘડો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે લૂંટારુઓ લૂંટાયેલા દાગીના અને રોકડ રકમ સાથે ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા.
