મંત્રણા
FILE PHOTO: REUTERS/Emma Farge/File Photo

અમેરિકા વચ્ચે વેપાર મંત્રણા માટે ભારતના વેપાર અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ 22 સપ્ટેમ્બરે વોશિંગ્ટન પહોંચ્યા હતા. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા પછી ઓગસ્ટમાં અટકી પડેલી બંને દેશો વચ્ચેની વેપાર મંત્રણા ગયા સપ્તાહે ફરી ચાલુ થઈ હતી. અમેરિકાએ H1B વિઝા ફીમાં જંગી વધારો કર્યો છે ત્યારે આ મંત્રણા યોજાઈ રહી છે.

સત્તાવાર નિવેદનમાં જણાવાયું હતું કે ભારતીય પ્રતિનિધિમંડળ પરસ્પર ફાયદાકારક વેપાર કરારના વહેલા નિષ્કર્ષને માટે ચર્ચાઓને આગળ વધારશે. ૧૬ સપ્ટેમ્બરના રોજ, દક્ષિણ અને મધ્ય એશિયા માટે સહાયક યુએસ વેપાર પ્રતિનિધિ, બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં એક યુએસ પ્રતિનિધિમંડળે નવી દિલ્હીમાં મુખ્ય વાટાઘાટકાર રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં ભારતીય વેપાર અધિકારીઓને મળ્યા હતાં. બંને દેશોએ આ મંત્રણાને સકારાત્મક ગણાવી હતી.

અત્યાર સુધી ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) માટે વાટાઘાટોના પાંચ રાઉન્ડ યોજાઈ ચૂક્યાં છે અને 25-29 ઓગસ્ટ દરમિયાન યોજાનારી છઠ્ઠી વાટાઘાટો અમેરિકાએ ભારતીય માલ પર 50 ટકા ટેરિફ લાદ્યા પછી મુલતવી રખાઈ હતી.

પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય માલસામનની આયાત પર 50 ટકા ડ્યૂટી લાદ્યા પછી તાજેતરના સપ્તાહોમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં થોડા સુધારો જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા મારફત એક સપ્તાહમાં બે વખત ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે વિચારોનું આદાનપ્રદાન થયું હતું અને બંને નેતાઓ વેપાર વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા હતાં. ટ્રમ્પે વડાપ્રધાન મોદીને “પ્રિય મિત્ર” ગણાવ્યાં હતાં અને વેપાર કરારના મોમેન્ટમ અંગે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

મોદીએ પણ ભારત અને અમેરિકાને ‘નજીકના મિત્રો અને સહજ ભાગીદારો’ ગણાવીને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વર્તમાન વેપાર વાટાઘાટો બંને રાષ્ટ્રો માટે નોંધપાત્ર તકોની સંભાવના ખોલશે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે પણ પુષ્ટિ આપી હતી કે નવી દિલ્હીની રાજદ્વારી ટીમ વાટાઘાટો કરી રહી છે. ટ્રુથ સોશિયલ પરની એક પોસ્ટમાં ટ્રમ્પે કહ્યું હતું કે મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને અમેરિકા વચ્ચે વેપાર અવરોધોને દૂર કરવા માટે વાટાઘાટો કરી રહ્યાં છે.

અગાઉ વેપાર અને વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે બંને દેશો આ વર્ષના નવેમ્બર સુધીમાં પ્રથમ તબક્કાના વેપાર કરારને આખરી ઓપ આપી શકશે. માર્ચ મહિનાથી આ વિષય પર ખૂબ જ ગંભીરતાથી ખૂબ જ સારા વાતાવરણમાં ચર્ચા ચાલી રહી છે, પ્રગતિ થઈ રહી છે અને પ્રગતિથી બંને પક્ષો સંતુષ્ટ છે.

 

LEAVE A REPLY