
કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં હિંસક આંદોલનના બે દિવસ પછી શુક્રવારે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ કરવાઈ હતી. તેમની સામે ભડકાઉ નિવેદનો સાથે ટોળાને ઉશ્કેરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 2018માં રેમન મેગ્સેસે એવોર્ડ જીતનાર પર્વતીય ક્ષેત્રના કાર્યકર્તાએ બે દિવસ પહેલા થયેલી હિંસા બાદ કેન્દ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશના વહીવટીતંત્ર દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને નકારી કાઢ્યા હતાં. લદ્દાખની હિંસામાં ચાર લોકોના મોત થયા હતાં અને સુરક્ષા કર્મચારીઓ સહિત 50 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તેમના એનજીઓ સ્ટુડન્ટ્સ એજ્યુકેશનલ એન્ડ કલ્ચરલ મૂવમેન્ટ ઓફ લદ્દાખ (SECMOL)નું FCRA લાઇસન્સ તાત્કાલિક અસરથી રદ કર્યું હતું. સીબીઆઇએ હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ લદ્દાખ (HIAL) સામે પણ વિદેશી ફંડ્સ મેળવવાના મામલે તપાસ ચાલુ કરી હતી. લદ્દાખને પૂર્ણ રાજ્ય બનાવવાની માગણીની ચળવણમાં વાંગચુક મુખ્ય ચહેરો બન્યાં હતાં.
કેન્દ્રએ બુધવારે લદ્દાખમાં હિંસા ભડકાવવા માટે વાંગચુકને જવાબદાર ઠેરવ્યાં હતાં. વાંગચુકે આરબ સ્પ્રિંગ અને નેપાળના તાજેતરના Gen Z આંદોલનનો ઉશ્કેરણીજનક ઉલ્લેખો કરીને યુવાનોને ગેરમાર્ગે દોર્યા હોવાનો કેન્દ્રે આક્ષેપ કર્યો હતો.
સીબીઆઈએ વાંગચુકે સ્થાપેલા બીજા એક સંગઠન હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ લદ્દાખ (HIAL) સામે ફોરેન કોન્ટ્રીબ્યુશન (રેગ્યુલેશન) એક્ટ (FCRA)ના કથિત ઉલ્લંઘન અંગે તપાસ શરૂ કરી હતી.
ગૃહ મંત્રાલયના નિવેદન પર પ્રતિક્રિયા આપતા વાંગચુકે કહ્યું હતું કે સરકાર કિન્નાખોરીના ભાગરૂપે કાર્યવાહી કરી રહી છે. લેહમાં થયેલી હિંસક અથડામણનો તમામ દોષ તેમના પર ઢોળવામાં આવી રહ્યો છે. તેઓ આકરા જાહેર સલામતી કાયદા (PSA) હેઠળ ધરપકડનો સામનો કરવા તૈયાર છે. તેઓ બીજા કોઈને બલિનો બકરો બનાવવામાં હોશિયાર હોઈ શકે છે, પરંતુ તેઓ શાણા નથી. આ સમયે, આપણે બધાને ‘ચાલાકી’ કરતાં શાણપણની જરૂર છે, કારણ કે યુવાનો પહેલેથી જ હતાશ છે.
